ગુજરાત
News of Thursday, 6th May 2021

પેટલાદના શેરપુરા વિસ્તારમાં કાર લઈને બકરાની ચોરી કરવા આવેલ ચાર સાગરીતોને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યા

આણંદ:જિલ્લાના પેટલાદ શહેરના શેરપુરા વિસ્તારમાં કાર લઈને આવેલ બકરાં ચોર ગેંગના ચાર સાગરિતોને સ્થાનિકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા મથક પેટલાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પશુચોર ટોળકી સક્રિય થઈ હતી. વિવિધ વિસ્તારોમાંથી પશુ ચોરીના બનાવો ઉજાગર થયા હતા ત્યારે ગઈકાલે પેટલાદના શેરપુરા વિસ્તારમાં કાર લઈને ચાર શખ્શો આવી ચઢ્યા હતા. જ્યાં વિસ્તારમાં ફરી રહેલ બકરીઓને ચીકુ તથા પારલે બિસ્કીટ નાખી નજીક બોલાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક મહિલાઓને શક પડયો હતો. જેથી તેઓએ અન્ય વ્યક્તિઓને માહિતગાર કરતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને ચારેય શખ્શોને ઝડપી પાડયા હતા. ઉશ્કેરાયેલ લોકોએ ચારેય શખ્શોને સારી  પેઠે મેથીપાક ચખાડયો હતો અને તેઓની કારની તોડફોડ કરી હતી. દરમ્યાન ગટનાની જાણ પેટલાદ શહેર પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચારેય શખ્શોને અટકમાં લઈ તેઓના નામ ઠામ અંગે પુછપરછ કરતા તે અશોકભાઈ ઉર્ફે કાળીદાસ બાબરભાઈ તળપદા, મહેન્દ્રભાઈ ઉર્ફે મહેન ગોવિંદભાઈ તળપદા, શૈલેષ ઉર્ફે વિનોદ વિક્રમભાઈ તળપદા અને મહંમદ ઈકબાલ ઉર્ફે મલેક મહંમદહુસેન મલેક (ચારેય રહે. નડિયાદ) હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે શહેનાઝબાનુ મલેકે પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)