ગુજરાત
News of Thursday, 6th May 2021

રેમડેસિવિર ઇન્જેકશન વેંચવાના કેસમાં સી. આર. પાટીલ અને ધારાસભ્યના વકિલો હાઇકોર્ટમાં હાજર થયા

પરેશ ધાનાણીની જાહેર હિતની અરજી સંદર્ભે જવાબ રજુ કરવા સમય માંગતા ૧પ જુને વધુ સુનાવણી

રાજકોટ તા. ૬ :.. કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી એવા રેમડેસિવિર ઇન્જેકશનની રાજયભરમાં ભારે અછત હતી અને હજારોની સંખ્યામાં લોકોની હોસ્પિટલોની બહાર લાઇનો લાગતી હતી ત્યારે સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેકશન આપવાની જાહેરાત કરનાર ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ અને મજૂરા મત વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીના વકીલો બુધવારે હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતાં.

જવાબ રજૂ કરવા માટે સમય આપતા કોર્ટે તા. ૧પ જૂન સુધીનો સમય આપ્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પાટીલ અને સંઘવી સામે કરેલી જાહેર હિતની અરજીનાં સંદર્ભમાં હાઇકોર્ટે અગાઉ બન્ને નેતાઓ સામે નોટીસ કાઢીને હાજર રહેવાનો આદેશ કર્યો હતો.

તેની સામે બન્ને નેતાઓના વકીલો હાજર રહયા હતા અને તેમણે જવાબ રજૂ કરવા માટે સમય માગતા કોર્ટે તા. ૧પ જૂન સુધીનો સમય આપ્યો હતો. ધાનાણી વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજુઆત કરી હતી.

(1:01 pm IST)