ગુજરાત
News of Wednesday, 5th May 2021

સુરત અને જુહાપુરાથી ડોક્ટર પાસેથી રેમડેસીવીર ઈન્જેક્શન ખરીદી કાળા બજારી કરનાર ઝડપાયો

સુરતના ડૉક્ટર મિલન સુતરીયા તથા રુહી નામની મહિલાની શોધખોળ શરૂ

અમદાવાદ : શહેરમાં વધુ એક ઈન્જેક્શનનું કાળા બજાર કરનાર શખ્સને ઝોન 1 ડીસીપી સ્ક્વોડે ઝડપી લીધો હતો. આરોપી સુરત અને અમદાવાદના જુહાપુરાના ડોક્ટરો પાસેથી કાળા બજારમાં વેચવા માટે રેમડેસીવીર ઈન્જેક્શનો મેળવી ઉંચા ભાવે વેચાણ કરતો હતો. આરોપી સુરતના અને જુહાપુરાના ડોક્ટર પાસેથી રૂ.9 હજારમાં ઈન્જેક્શન ખરીદીને રૂ. 11 હજારમાં વેચતો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે સોલા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી વઘી રહી છે રાજ્ય પોલીસ કાળા બજારી રોકવામાં નિષફળ રહી હોવાનું મનાય છે તેવામાં ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલને બાતમી મળી હતી કે, એસજી હાઈવે કારગીલ પેટ્રોલ પંપની સામે ગેરકાયદે રેમડેસીવીર ઇન્જેક્શન વેચાણ કરનાર શખસો આવવાના છે. ઝોન 1 ડીસીપીના સ્ક્વોડે વોચ ગોઠવી એક્ટિવા ચાલક જય શાહને રોકી પુછપરછ કરી હતી.

ત્યારબાદ તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા છ નંગ ઈન્જેક્શન મળી આવ્યા હતા. જેમાં વાદળી કલરના બૂચવાળા બે ઈન્જેક્શન ભરેલા અને લાલ કલરમાં બે ઈન્જેક્શનમાં પ્રવાહી ભરેલા તથા સફેદ કલરના બૂચવાળા બે ઈન્જેક્શન પાઉડર ભરેલા હતા. જેથી તેની પાસેથી ઈન્જેક્શન રાખવા માટે આધાર પુરાવા માગતાં તેની પાસેથી મળી આવ્યુ ન હોવાથી પોલીસે જયની ધરપકડ કરી હતી.

પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ ઈન્જેક્શન તેણે સુરતના ડોક્ટર મિલન સુતરીયા પાસેથી કાળા બજારમાં વેચવા માટે રૂ.9 બજાર લેખે 54 હજારમાં મંગાવ્યા હતા અને પૈસા ગુગલ પે થી આપ્યા હતા. જે પૈકીના બે ઈન્જેક્શનો આરોપીએ તેની માતાને આપ્યા હતા અને આ ઈન્જેક્શનો સુરતથી કુરીયર મારફતે માગાવ્યા હતા. જ્યારે સફેદ બૂચવાળા ઇન્જેક્શન આરોપી જયે જુહાપુરા અંબર ટાવર પાસે રહેતી રુહી પાસેથી કાળા બજારમાં વેચવા માટે 16 હજાર રૂપિયામાં લાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આરોપી 9 હજારમાં આ ઇન્જેક્શન ખરીદી 11,000માં લોકોને ગેરકાયદે વેચાણ આપતો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને એક્ટિવા સહિતનો કુલ રૂ. 75 હજારનો મુદ્દામાલ કબજે કરી સુરતના ડૉક્ટર મિલન સુતરીયા તથા રુહી નામની મહિલાની શોધખોળ હાથ ધરી છે.

(12:07 am IST)