ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર શખ્સોની ધરપકડ કરી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પેથાપુર પોલીસે રાધેજા ફાટકથી ઉનાવા તરફ જવાના માર્ગ ઉપર દોરડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૮૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે જુગારની બદી વધી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાંધેજા ફાટકથી ઉનાવા તરફ જતા રોડ ઉપર આવેલા રામોડી માતાના મંદિરની પાછળ કેટલા ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડતા અહીં જુગાર રમતા ઉનાવા ગામના સુરેશજી નારણજી ઠાકોર ,અંકીત બબાભાઇ પટેલ, સુરેશભાઇ મેલાભાઇ રાવળ તથા પેથાપુરના હીતેષ ઉર્ફે પ્રકાશ બેચરજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી રોકડ મોબાઈલ અને રીક્ષા મળી કુલ ૮૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.