ગુજરાત
News of Monday, 6th March 2023

અમદાવાદના તેલના વેપારીને છેતરપીંડીના કેસમાં ૩ વર્ષની સજા અને ૧૦ લાખ ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૬ : અમદાવાદના તેલના વેપારીને ૪૨૦ના કેસમાં ત્રણ વર્ષની સજા તેમજ રૂા. ૧૦ લાખ વળતરની રકમ ચુકવવાનો હુકમ કોર્ટ કર્યો હતો.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, રાજકોટમાં બી.કે. ટ્રેડર્સના નામે ખાદ્ય તેલનો વેપાર કરતા ફરિયાદી વિરલ વિનોદરાય કારીયા રહે. અમૃત સોસાયટી, ગુરૂકૃપા, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટએ અમદાવાદના અનિલ જયંતીલાલ ઠક્કર, રહેવાસી અમદાવાદ બી/૧૩ સિધ્‍ધી વિનાયક ડુપ્‍લેક્ષ, કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ પાસેથી પામોલીન તેલ ખરીદવા રૂા. ૧૦,૦૫,૫૮૫ સને ૨૦૧૬ની સાલમાં ખરીદવા માટે ફરિયાદીએ આરોપીને એડવાન્‍સ રૂા. ૧૦,૦૫,૫૮૫ આર.ટી.જી.એસ.થી ચુકવેલ ત્‍યારબાદ આરોપી માલ નહીં મોકલતા અનેકવાર ફોન કરેલ અને ઇ-મેઇલ કરેલ પરંતુ જવાબ નહી આપતા તેઓએ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ પરંતુ આરોપીઓને ઉડાઉ જવાબ આપેલ જેથી ફરિયાદીએ ભકિતનગર પો.સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ અને આરોપી વિરૂધ્‍ધ કોર્ટમાં ચાર્જશીટ આપતા આરોપી હાઇકોર્ટમાં તે ફરીયાદ રદ કરાવવા કોસીંગ પીટીશન કરેલ. જે અદાલતને રીજેકટ કરેલ તેમજ આરોપીએ ધરપકડ સામે રાજકોટ સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન દાખલ કરેલ જે નામંજુર થતા ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી રૂા. ૩,૦૦,૦૦૦ ડીપોઝીટ કરાવવાની શરતે જામીન આપેલ.

ત્‍યારબાદ રાજકોટના એડી. જજ પંચાલની કોર્ટમાં ઉપરોકત કેસ ચાલી જતા આરોપી વિરૂધ્‍ધ ઇ.પી.કો. કલમ ૪૨૦ નો ગુનો સાબીત થતા તેમજ આરોપીના ડ્રાઇવર તથા ટ્રાન્‍સપોર્ટરવાળા હોસલાસિંહ બીન્‍દા રાજપુતનાએ જણાવેલ કે અમોએ કોઇ બી.કે. ટ્રેડર્સને માલ પામોલીન તેમ અમારા ટેન્‍કરમાં કયારેય પહોંચડેલ નથી અને ફરિયાદ સમયે આરોપીએ જણાવેલ ટેન્‍કર અમોએ વેચી નાખેલ છે. પરંતુ આરોપીની પેઢીમાં અગાઉ તેલના ફેરામાં ટેન્‍કર ચાલતુ હતુ જેથી તેઓએ અમારા ટેન્‍કર નંબરની ખોટી બીલ્‍ટી ઉભી કરેલ છે. અમોએ કોઇ હાઇકોર્ટમાં સોગંદનામુ કરેલ નથી. તેવી સોગંદ ઉપરની જુબાની તથા દસ્‍તાવેજી પુરાવાઓ ધ્‍યાને લઇ આરોપીને અનિલ જયંતીલાલ ઠક્કરને તક્ષીરવાર ઠરાવી ૩ વર્ષની સાદી કેસની સજા તથા ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ -૩૫૭(૩) તળે રૂા. ૧૦,૦૫,૫૮૫ વળતર પેટે ચુકવવાની હુકમની તારીખથી ૩૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ છે.  આ કેસમાં મુળ ફરિયાદી બી.કે.ટ્રેડર્સ રાજકોટ વતી વકીલ તરીકે બીનેશ એચ.પટેલ તથા રાજેશ પટેલ રોકાયેલ છે. તેમજ સરકાર પક્ષે એ.પી.પી. શ્રી એ.જી.ઝાલા રોકાયેલ હતા.

(4:45 pm IST)