ગુજરાત
News of Monday, 6th March 2023

પાદરા કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ કરાયો :આગના કારણે આસપાસના 12 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો

આગ એટલી ભીષણ હતી કે સંપૂર્ણ કંપની બળીને ખાખ થઈ ગઈ: મેજર કોલ જાહેર કરાતા વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમ પણ આગ બૂઝાવવા માટે પહોંચી હતી

વડોદરામાં પાદરા કેમિકલ કંપનીમાં લાગેલી આગ પર 6 કલાકની જહેમત બાદ કાબુમાં કરાઇ  છે. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર કંપની આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આ આગને કારણે આસપાસના 12 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો. કંપનીના ઉપર હાઈટેન્શન લાઈન હોવાથી તમામ વાયરો બળીને ખાખ થઈ ગયા હતા. આગના કારણે આસપાસના પણ કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યુ છે. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ કર્યો હતો.

પાદરાના મહુવડ ગામની ચોકડી પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જેથી બનાવને પગલે પાદરા અને આજુબાજુની કંપનીઓના ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે આવી પહોંચી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે કાબૂમાં આવી રહી ન હતી. જેથી મેજર કોલ જાહેર કરાતા વડોદરાથી રાત્રે 2 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ પણ આગ બૂઝાવવા માટે પહોંચી હતી

વિઝન કંપની મુખ્યત્વે કેમિકલ બનાવતી કંપની હતી. જેથી આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ ગઇ હતી અને આગને કારણે કેમકલના જથ્થામાં વારંવાર બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જેથી કંપની બળીને ખાખ થઇ ગઇ હતી.

 

(12:03 am IST)