ગુજરાત
News of Saturday, 6th March 2021

પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર હિંમતપૂર્વક અમે નિર્ણય બદલ્યો પણ છે. યુ-ટર્ન લેવાની પણ હિંમત દાખવી : મુખ્યમંત્રી રૂપાણી

સરકારે વિકાસની વણથંભી વણઝાર સર્જી : પાંચ વર્ષમાં 1700થી પણ વધુ જનહિતલક્ષી નિર્ણયો કર્યા હોવાનો દાવો કર્યો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયપાલના આભાર પ્રસ્તાવ પર સંબોધન કરતાં ગુજરાત સરકારે કરેલાં કામોની વણથંભી વણઝાર સર્જી દીધી હતી. તેમણે કહ્યું પણ હતું કે, સરકારે આ પાંચ વર્ષમાં 1700થી પણ વધુ જનહિતલક્ષી નિર્ણયો કર્યા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે મારે એ પણ કહેવું છે કે, જયારે પણ અમારો નિર્ણય યોગ્ય ન લાગ્યો હોય અને રજૂઆતો આવી હોય તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર હિંમતપૂર્વક અમે નિર્ણય બદલ્યો પણ છે. યુ-ટર્ન લેવાની પણ હિંમત દાખવી છે. જેના આપ સૌ સાક્ષી છો.

તેમણે વધુમાં કહ્યું કે, આને જ તો કહેવાય પ્રો એક્ટિવ, પ્રો પીપલ એપ્રોચ. રાજહઠ નહીં જનતા જનાર્દનની વાત અમે માનીએ છીએ. હું એટલે જ કહું છું કે નિર્ણાયકતા એ સૌથી મોટું અમોઘ વિકાસનું શસ્ત્ર છે. અનિર્ણાયકતાની સ્થિતિ વિકાસના શ્વાસને રુંધતી હોય છે. અમે ફટાફટ અને સટોસટ નિર્ણયો લઇને વિકાસના શ્વાસને રુંધાવા દીધો નથી.

તેમણે પ્રારંભ કહ્યું હતું કે, પ્રગતિશીલતાના પાયામાં નિર્ણાયકતાંનો બહુ મોટો રોલ હોય છે. અમારી સરકાર ઢચુપચુ સરકાર નથી, નિર્ણાયક સરકાર છે. અમે આંખના પલકારામાં જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. રોજેરોજ પ્રજાહિતના કાર્યો માટે નવા નવા નિર્ણયો કર્યા છે. રોજેરોજ પ્રજાહિતના કાર્યો માટે નવા નવા નિર્ણયો લઇ તેના અસરકારક અમલીકરણની અમારી નિષ્ઠાને લોકોએ વિશ્વાસપૂર્વક વધાવી છે. અમારા પ્રત્યેક નિર્ણય પાછળ ઓછામાં ઓછી 3થી વધુ બેઠકો કરીને સૌ કોઇના પરામર્શથી પાકટ નિર્ણયો લીધા છે. અમારી નિયત સાફ છે એટલે જ હિંમતથી જનહિતલક્ષી નિર્ણયો લઇ શકીએ છીએ.

(10:31 pm IST)