ગુજરાત
News of Saturday, 6th March 2021

ગુજરાતમાં ૪૧૨૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે

સરકારના લાખોને નોકરી આપવાના દાવાઓ પોકળ :રાજ્યમાં ૩૯૨૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪૧૨૯૮૫ બેરોજગાર

અમદાવાદ,તા.૬ : રાજ્યમાં તાતેજરમાં જ યોજાયેલા બજેટના અભિભાષણમાં નાણા મંત્રી નીતિન પટેલે બે લાખ સરકારી નોકરી  અને ૨૦ લાખ ઇતર નોકરીની તકો પુરી પાડવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા સરકારી ભરતી કરવાના અને લાખો લોકોને નોકરી આપવાના વાયદા કરવામાં આવે છે તે હકિકતથી વિપરીત છે. નોકરી અને બેરોજગારી મુદ્દે આંદોલનનો સામનો કરી રહી રહેલી ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમા ખૂબ જ ઓછી સરકારી નોકરી આપી છે. આ અમે નહીં પરંતુ સરકારના આંકડા કહી રહ્યા છે. આજે વિધાનસભાના બજેટ સત્રમાં આ આંકડાઓ રજૂ થયા હતા. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. સરકાર દ્વારા લાખો લોકોને નોકરી આપવાના ઠાલા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા બે વર્ષમાંમાં માત્ર  ૧,૭૭૭ બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે.

         આમ આ આંકડાઓને જોતા સરકારના સરકારી કેલેન્ડર મુજબની ભરતીના અને સરકારી નોકરી આપવાના દાવાઓ પોકળ ઊભા થયા છે. સરકાર સામે યુવાનોએ અનેક આંદોલનો કર્યા છે. આ સમયે રોજગારીનો મુદ્દો ચરમસીમાએ હતો. જોકે, ચૂંટણીઓમાં ભાજપને જ્વલંત વિજય મળી જતો હોવાથી આ મુદ્દો ગંભીરતાથી લેવાતો નથી તેવામાં સરકારના ચોપડે જ સરકારી નોકરી અને બેરોજગારોનો આંકડો સામે આવ્યો છે. બજેટમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન .ર. પટેલે ભરતીની જાહેરાત કરી હતી કે સરકાર આગામી વર્ષમાં ૨ લાખ યુવાનોને નોકરી આપશે પરંતુ છેલ્લા બે વર્ષમાં જ જો માત્ર ૧૭૭૭ ઉમેદવારોને નોકરી મળી હોય તો લાખોનાં દાવા સામે પ્રશ્નાર્થન સર્જાવા સ્વાભાવિક છે.

(8:23 pm IST)