ગુજરાત
News of Saturday, 6th March 2021

સુરતમાં ૩ વિદ્યાર્થી અને ૧ શિક્ષક કોરોના પોઝિટિવ

શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તથા વિદ્યાર્થીઓ-શિક્ષકોના ટેસ્ટ કર્યા હતા

સુરત,તા.૬ : શહેરમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના શાળાના સ્ટાફમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે શુક્રવારે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ધો.૧૨ સાયન્સના ૩ વિદ્યાર્થી અને ૧ શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી રાંદેર ઝોનની આરોગ્ય વિભાગની ટીમે ધો.૧૨ સાયન્સના તમામ વર્ગખંડો બંધ કરાવવા માટે શાળા સંચાલકોને નોટિસ આપી છે. આ ઉપરાંત ભગવાન મહાવીર કોલેજમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. મોરાભાગળ મોરારજી નગરમાં લોકમાન્ય વિદ્યાલય સ્કૂલમાં ધો.૧૨ સાયન્માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શંકાસ્પદ લક્ષણો જણાતા જહાંગીરપુરા ચેક પોસ્ટ પર કોરોના ટેસ્ટીંગ સેન્ટર ઉપર જઇ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો.

          જેમાં વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાની ટીમે તેણીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટિંગ દરમિયાન શાળાના ધો.૧૨ સાયન્સના અન્ય બે વિદ્યાર્થી સાથે સાયન્સના જ એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાછળથી પોઝિટિવ આવેલા ત્રણેયમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા ન હતા. રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.ગરાસિયાએ જણાવ્યું કે, આ સાથે ધો.૧૨ સાયન્સના વર્ગો ૧૪ દિવસ સુધી બંધ રાખવા માટે તાકીદ કરાઇ છે. શુક્રવારે રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી ૮ સ્કૂલોમાં ૫૧૧ લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં આ એકપણ કેસ સામે આવ્યો નથી. બીજી બાજુ તરસાડી- કોસંબામાં ચૂંટણી ફરજ પર ગયેલા પાંચ શિક્ષકો સહિત એક જ શાળાના ૯ શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.

(8:21 pm IST)