ગુજરાત
News of Saturday, 6th March 2021

ગાંધીનગર જિલ્લાના અડાલજ નજીક મોપેડ લઈને જઈ રહેલ યુવાનને બસે હડફેટે લેતા ગંભીર ઇજાથી સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ પાસે મોપેડ લઈને જઈ રહેલા યુવાનને બસે અડફેેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.

અકસ્માત અંગે અડાલજની શ્રીનાથ રેસીડેન્સી વિભાગ- માં રહેતાં મંજુબેન જગદીપસિંહ રાવતે ફરીયાદ નોંધાવી હતી કે તેમના ફોઈનો દીકરો આદિત્યવિક્રમ અરવિંદકુમાર નેગી ઉત્તરાખંડના શ્રીનગરમાં રહેતો હતો અને છેલ્લા બે મહિનાથી તેમના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવ્યો હતો. ગઈકાલે આદિત્યવિક્રમ તેનું મોપેડ લઈને કોલેજના કામ માટે ગયો હતો અને બપોર સુધી ઘરે નહીં આવતાં મંજુબેને તેને ફોન કર્યો હતો પરંતુ તે ફોન ઉપાડતો નહોતો. ત્યારબાદ એક મહિલાએ ફોન ઉપાડયો હતો અને આદિત્યને અકસ્માત થયો હોવાનું કહેતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા જયાં તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આદિત્ય વિક્રમ અડાલજ પેટ્રોલપંપ ઉપરથી ઘર તરફ આવી રહયો હતો તે સમયે રોડ ક્રોસ કરતી વખતે ઝુંડાલ તરફથી આવતી સુરત-ડીસા એસટી બસ નં.જીજે-૧૮-ઝેડ-૪૮૪૫ના ચાલકે અકસ્માત સર્જયો હતો અને બસ મુકીને નાસી છુટયો હતો. જેથી સંદર્ભે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

(5:23 pm IST)