વડોદરાના શિયાબાગ વિસ્તારમાં રોડ પર પસાર થતી યુવતીને પજવણી કરનાર રોમિયોને નવાપુરા પોલીસે રંગે હાથે ઝડપી પાડયો
વડોદરા:શહેરના નવાપુરા પોલીસ મથકની SHE ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શિયાબાગ વિસ્તારમાં કેટલાક યુવકો પસાર થતી યુવતીઓ સાથે મજાક-મસ્તી કરી છેડતી કરે છે. જેથી મહિલા પોલીસની ટીમ રાત્રે 10:30 શિયાબાગ મીઠી બા હોલ પાસેથી સાદા ડ્રેસમાં પગપાળા પસાર થયા હતા તે સમયે ચાર યુવકોએ તેમને જોઈને અશ્લીલ ગીતો ગાઇ, અપશબ્દો બોલી, અશ્લીલ ચેનચાળા કરી છેડતી કરી હતી.
આ દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ વોચમાં હોય તેઓએ ચારેય રોમિયો ને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મયુર લાલાભાઈ કહાર, વિજય સુરેશભાઈ કહાર, ગુરુપ્રસાદ પુરુષોત્તમભાઈ કહાર( ત્રણેવ રહે-કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને કરણ ભરતભાઈ કહાર ( રહે-કાકાસાહેબ ટેકરો, દાંડિયાબજાર, રાવપુરા, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું.