ગુજરાત
News of Saturday, 6th March 2021

ગુજરાતમાં બેકારીનો વણથંભ્યો વિકાસ : ૩,૯૨,૪૧૮ શિક્ષિત, ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેકારો

રાજકોટ જિલ્લામાં ૨૧,૧૬૧ નોંધાયેલા બેરોજગારો : સરકારે ૧૨૬ને રોજગારી આપી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૬: કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પુછેલા પ્રશ્નોના જવાબમાં બેરોજગારીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અવાર નવારની વાઇબ્રન્ટ સમિટ પછી પણ બેરોજગારી વધી રહી છે. રાજકોટ જિલ્લામાં ૧૯,૭૯૪ શિક્ષિત અને ૧,૩૬૭ અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયાનું જણાવાયુ છે. જેમાંથી ૧૨૬ને સરકારી રાહે રોજગારી મળી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫,૮૬,૨૭૭ લોકોને ખાનગી ક્ષેત્રે રોજગારી મળ્યાનો સરકારનો દાવો છે.

કોંગ્રેસે જણાવ્યુ છે કે, રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં ૧,૭૭૭ બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને ૧૫ જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે.

(1:17 pm IST)