ગુજરાત
News of Saturday, 6th March 2021

કાલે વડતાલ સ્વામિનારાયણ મંદિરે સુવર્ણ જયંતિ રવિસભાનું આયોજન

ભગવાનને રપ૦૦ કિલો દ્રાક્ષનો શ્રૃંગાર-અન્નકુટઃ જરૂરીયાત મંદોને પ૦ હજાર જોડી ચપ્પલનુ વિતરણ કરાશેઃ આચાર્ય શ્રી ૧૦૦૮ રાકેશ પ્રસાદજી મહારાજના અધ્યક્ષસ્થાને તડામાર તૈયાર

રાજકોટ તા. ૬ :.. શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ૭મી માર્ચ રવિવારે સુવર્ણ જયંતી રવિસભા મહોત્સવ વડતાલમાં આચાર્યશ્રી ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને મંદિરના સભા મંડપમાં યોજાશે. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો, મહંતો, સહિત હજારો હરિભકતો ઉપસ્થિત રહેશે.

નાસીક સ્વામી મંદિરથી પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી રપ૦૦ કિલો દ્રાક્ષ વડતાલ ખાતે મોકલશે. જે સુવર્ણ જયંતી રવિસભા પ્રસંગે વડતાલમાં બિરાજતા દેવોને રપ૦૦ કિલો દ્રાક્ષના વાઘા, અન્નકુટ ધરાવવામાં આવશે. ઉપરાંત પ૦ હજાર જોડી ચપ્પલનું દરીદ્રનારાયણો, જરૂરીયાત મંદોને વિતરણ વડતાલ મંદિર દ્વારા કરાશે. આ ચપ્પલ વિતરણ સમારોહમાં મેતપુર સ્વામી મંદિર, નાર સ્વામી, ગુરૂકુળ, એસ. જી. વી. પી. ગુરૂકુળ અમદાવાદ, પીજ સ્વા. મંદિર, ઉમરેઠ સ્વા. મંદિર તથા કલાલી સ્વા. મંદિરનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. સુવર્ણ જયંતિ રવિસભા મહોત્સવની માહિતી આપતા આસી. કોઠારી ડો. સંતવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ સ્વા. મંદિરમાં છેલ્લા ૪ વર્ષ ઉપરાંતથી દર માસના પ્રથમ રવિવારે વડતાલ મંદિરમાં રવિસભા યોજાય છે. આગામી ૭મી માર્ચે યોજાનાર પ૦મી રવિસભા સુવર્ણ  જયંતી રવિસભામાં વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ તકે યોજાનાર અન્નકુટનો પ્રસાદ સૌ હરિભકતો, જરૂરીયાત મંદોને વિતરણ કરાશે. આ રવિસભામાં સંપ્રદાના શ્રેષ્ઠીઓ, વડોદરા, અમદાવાદ, ભરૂચ, વિદ્યાનગર, આણંદ, નડીયાદથી ઉપસ્થિત રહેશે. ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લાના રાજકીય મહાનુભાવો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જે હરિભકતોએ ૩૦ થી વધુ રવિસભા ભરી હશે તેઓને સ્મૃતિ આશીર્વાદ આપી સન્માન કરાશે. પ૦મી રવિસભામાં જે યજમાનો હતા તેઓનું સન્માન થશે. આ પ્રસંગે વડતાલના મહિમાની કથા છે. આ તકે આચાર્ય મહારાજશ્રી સૌ હરિભકતોને આશીર્વચન પાઠવશે.

(11:46 am IST)