ગુજરાત
News of Saturday, 6th March 2021

ધો.10ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ : રેગ્યુલર ફી સાથે જ 15 માર્ચ સુધી ફોર્મ સ્વિકારાશે

હજુ કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકયા નહીં હોવાથી નિર્ણંય

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવા નિર્ણય કરાયો છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ-10ના ફોર્મ 5 માર્ચ સુધી ઓનલાઈન સ્વિકારવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હજુ કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકયા નહીં હોવાથી બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે જ 15 માર્ચ સુધી વિદ્યાર્થીઓના ફોર્મ સ્વિકારવાનું નક્કી કરાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે-2021માં લેવામાં આવનારી ધોરણ-10ની પરીક્ષા માટેના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે સુચના અપાઈ હતી. જોકે, હજુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

ધોરણ-10ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ 15 માર્ચની રહેશે. અંતિમ તારીખ સુધી કોઈ પણ સમયે ધોરણ-10ના કોઈ પણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે. તે માટે અલગથી કોઈ પણ ફી આપવાની રહેશે નહીં. વિદ્યાર્થીનું પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ 15 માર્ચ સુધી કરી શકશે

જો, કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કરેલી હોય અને આવેદનપત્રો ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ એપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્રો ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્રો ભરવા અંગેની તેમજ ફી ભરવા અંગેની સુચનાઓ પણ મુકવામાં આવી છે. આમ, ધોરણ-10ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે, પરંતુ તે માટે લેઈટ ફી લેવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે શૈક્ષણિક કાર્યને ગંભીર અસર થઇ હતી. વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ના થાય તે હેતુથી સરકાર દ્રારા ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરાવવામાં આવ્યું હતું. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં તબક્કાવાર શાળાઓ શરુ કરવામાં આવી હતી. એક પછી એક ધોરણો પણ શરૂ કરાયાં હતા. જો કે હજુ ડરના કારણે વિદ્યાર્થીઓ શાળાએ આવતાં નહીં હોવાથી અપુરતી સંખ્યા રહે છે

(9:17 am IST)