ગુજરાત
News of Saturday, 6th March 2021

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કોચીંગ ફી ચુકવાશે : રૂપાણી સરકારની મોટી ભેટ

કોચીંગ સહાય માટે વિદ્યાર્થી દીઠ 20 હજાર અથવા ખરેખર ચુકવવાની થતી ફીમાંથી જે ઓછી હોય તે ચુકવાશે

ગાંધીનગર: અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાની જેમ હાલની બજેટ જોગવાઇની મર્યાદામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલિમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ સહાય ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, રાજય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વગેરે તેમ જ કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી તેમ જ સેન્ટ્રલ પોલીસ ફોર્સ (સીઆરપીએફ, બી.એસ.એફ., સીઆઇએસએફ વગેરે) અને સ્ટાફ સિલેકશન કમિશન વગેરે દ્વારા લેવાતી વર્ગ 1,2 અને 3ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય તરીકે વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે આપવાનું નક્કી કર્યું છે.

અગાઉ યુ.પી.એસ.સી./ જી.પી.એસ.સી. , સ્ટેટ કમિશન, બેંક, એલ.આઇ.સી., ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વર્ગ 1,2 અને 3ની રાજય તેમ જ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે પસંદ થયેલી સંસ્થામાં કોચિંગ મેળવતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા 20 હજાર અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય તરીકે ચુકવવાની યોજના અમલમાં હતી.

પરંતુ હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે કોચીંગ સહાય આપવામાં આવે છે. તેની સાથે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, રાજય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વગેરે સહિતની તેમ જ કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ (સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફ વગેરે) અને સ્ટાફ સીલેકશન કમિશન વગેરે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ કરવા સરકાર સમક્ષ દરખાસ્ત હતી. જેને મંજુરી આપવાની વિચારણાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અંગે તાજેતરમાં જ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

(11:38 pm IST)