ગુજરાત
News of Saturday, 6th March 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય :સમગ્ર રાજ્યમાં ૧ એપ્રિલથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો યોજાશે

-૩૧-મે-ર૦ર૧ સુધી હાથ ધરાશે રાજ્યવ્યાપી જળસંચય કામો: મુખ્યમંત્રીની પ્રેરણાથી ર૦૧૮ થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રણ તબક્કાઓમાં ૪૧,૪૮૮ કામો દ્વારા ૪ર,૦૬૪ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે :કોરોના મહામારી વચ્ચે પણ ર૦ર૦માં પ૧ દિવસના આ અભિયાનમાં ૧૧,૦૭ર કામોથી ૧૮,પ૧૧ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી : કોરોનાના કપરા સમયમાં ૩૦ લાખથી વધુ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરાવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી શરૂ થશે. મુખ્યમંત્રીએ રાજ્યના જળસંપત્તિ વિભાગને આગામી તા.૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧-પ-ર૦ર૧ દરમ્યાન આ રાજ્યવ્યાપી અભિયાન  હાથ ધરવા મંજૂરી આપી છે

   આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ર૦૧૮ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા ૩ વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં ૧૬,૧૭૦ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે
એટલું જ નહિ, ૮૧૦૭ ચેકડેમ અને ૪૬ર જળાશયોના ડિસીલ્ટીંગ, રર૩૯ ચેકડેમના રિપેરીંગ, પ૬૮ નવા તળાવોનું નિર્માણ અને ૧૦૭૯ નવા ચેક ડેમ મળીને સમગ્રતયા ૪૧,૪૮૮ કામો કરવામાં આવ્યા છે.
   આ ઉપરાંત ૩૮,૩ર૩ કિ.મી. લંબાઇમાં નહેરોની અને પ૧૧૩ કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ૪ર,૦૬૪ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.
   સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરણા માર્ગદર્શનથી શરૂ થયેલા આ અભિયાનના કામોની રાષ્ટ્રીયસ્તરે નોંધ લઇ ગુજરાતના આ અભિનવ પ્રયોગને બિરદાવવામાં આવ્યો છે
મુખ્યમંત્રીએ ર૦ર૦ના વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આ જળસંગ્રહ અભિયાન માટે રાજ્ય સરકારના તંત્રને પ્રોત્સાહિત કરતાં તા.ર૦ એપ્રિલ-૨૦૨૦થી તા.૧૦ જૂન-ર૦ર૦ સુધીના માત્ર પ૧ દિવસના ટુંકાગાળામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં ૧૧,૦૭ર કામો લોકભાગીદારીથીઅને મ. ન.રે.ગા હેઠળ હાથ ધરીને ૩૦ લાખથી વધારે માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી  હવે આ અભિયાનનો ચોથો તબક્કો તા. ૧ એપ્રિલ-ર૦ર૧થી તા.૩૧ મે-ર૦ર૧ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાનો છે
   સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેશે નહિ, તેમ પણ મુખ્યમંત્રીએ સૂચવ્યું છે.
   મુખ્યમંત્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળઅભિયાન-૪ ના કામોમાં કોવિડ-19 કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

(7:21 pm IST)