ગુજરાત
News of Monday, 6th February 2023

એપ્રિલ મહિનામાં યોજાઇ શકે રદ થયેલી જૂનિયર કલાર્કની પરીક્ષા; ઉમેદવારો તૈયારી શરૂ કરી દયો

IPS હસમુખ પટેલે કહ્યુ -વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે. ટુંક સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.

અમદાવાદ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાઇ શકે છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે 15 લોકોની ધરપકડ કરી હતી. IPS હસમુખ પટેલે કહ્યુ કે, ઉમેદવારો જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે.વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે. ટુંક સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે

 પેપર લીકની ઘટનાને રોકવા માટે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરીક્ષા વહેલી સ્વચ્છ રીતે લેવાય તે તેમની પ્રાથમિકતા છે.

હસમુખ પટેલે કહ્યુ કે, ઉમેદવારો વધુ મહેનત કરી તૈયારીમાં લાગી જાય. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ના બને તે પ્રાથમિકતા છે. પોલીસે તકેદારી રાખી એટલે જ પેપર લીકનું કૌભાંડ પકડાયુ. વધુમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ હસમુખ પટેલે કહ્યુ કે, ક્યાય પણ અપ્રમાણિકતા દેખાય તો તંત્રનું ધ્યાન દોરવુ જોઇએ.

 

29 જાન્યુઆરી,2023માં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા જ આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી જૂનિયર ક્લાર્કની 9 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પોલીસને પરીક્ષા પહેલા જ એક યુવક પાસેથી જૂનિયર ક્લાર્કના પ્રશ્નપત્રની નકલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત ATSએ પેપર લીક કૌભાંડમાં 15થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી અને વડોદરાની કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યા કોર્ટે 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગુજરાત ATSની ટીમે હૈદરાબાદ જઇને આરોપીઓની ધરપકડ કરી હતી. વડોદરાના ભાસ્કર ચૌધરી અને જીત નાયક સહિતના મુખ્ય સુત્રધારોએ કેટલાક રૂપિયામાં આ પ્રશ્નપત્રનો સોદો કર્યો હતો.

 

(10:03 pm IST)