ગુજરાત
News of Monday, 6th February 2023

વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ચામડીના રોગનો નિદાન સારવાર કેમ્પ યોજાયો

સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 121 દર્દીઓની તપાસ કરવામાં આવી અને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :  રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન 2023 ના ભાગરૂપે દરેક તાલુકા કક્ષાએ લેપ્રસીના દર્દીઓ મળી રહે તે માટે ચામડી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા ક્ષય અધિકારી ડો. કાર્તિક શાહ, ડીએનએએમઓ ડો. ગીતાંજલી બોહરા ના માર્ગદર્શન હેઠળ તારીખ:- 06/02/23 ને સોમવારના રોજ મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિરમગામ ખાતે ચામડીના રોગના નિદાન સારવાર કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.
   અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. ધ્યેય શાહ દ્વારા 121 દર્દીઓની તપાસ કરીને જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા. લેપ્રસીના 2 શંકાસ્પદ દર્દીઓ શોધવામાં આવ્યા હતા. વધુ સારવારની આવશ્યકતા જણાય તેવા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર માટે બોલાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
  આ કેમ્પમાં વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના મહત્તમ દર્દીઓ લાભ લીધો અને ચામડીના રોગનું નિદાન તથા સારવાર કરાવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ચામડીના રોગના દર્દીઓને લેપ્રસી રોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને રક્તપિત વિશે સત્ય હકીકતો જણાવવામાં આવી હતી. રક્તપિત થી ગભરાશો નહીં તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલમાં મફત થાય છે આવો આપણે સૌ સાથે મળીને રક્તપીતને નિર્મૂલન કરીએ તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું

 

(6:31 pm IST)