ગુજરાત
News of Saturday, 6th February 2021

પૂર્વ જમાઈએ તલવારના ઘા ઝિંકી સાસુની હત્યા કરી

આણંદ તાલુકાના લાંભવેલ ગામની ચકચારી ઘટના : બીજા લગ્ન કરી લીધા હોઈ પૂર્વ પત્નીને મળવા સાસુ પાસે પત્નીના નવા સરનામાની માગ કરીને હુમલો કર્યો

આણંદ, તા. ૬ : આણંદ તાલુકાના લાંભવેલ ગામે પંચાયત પાસે શુક્રવાર બપોરના અરસામાં પત્નીએ છૂટાછેડા લઈ બીજા લગ્ન કરી લીધા હોઈ પૂર્વ પત્નીને મળવા માટે સાસુ પાસે પત્નીના નવા સરનામાની માંગણી કરી સાક્ષાત જમ બની આવેલા પૂર્વ જમાઈએ નાની તલવારથી હુમલો કરી આઠથી દશ ઘા મારી સાસુને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. ગ્રામજનોએ પૂર્વ જમાઈને ઝડપી લઇ મેથીપાક ચખાડી પોલીસને જાણ  કરતા આણંદ રૂરલ  પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને હત્યારા પુર્વ જમાઈને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આણંદના લાંભવેલ ગામે પંચાયત પાસે ૬૦ વર્ષીય વિધવા વૃદ્ધા રંજનબેન પ્રવીણભાઈ પટેલ રહેતા હતા. તેઓને બે દીકરીઓ અને એક દીકરો જેમાં દીકરો હાલ આફ્રિકા ખાતે રહે છે. જ્યારે બે દીકરીઓ પૈકી નાની દીકરી તન્વીએ વર્ષ ૨૦૧૫માં નડિયાદ તાલુકાના ચકલાસી તાબે જાદવપુરા ગામના નિકુંજ શશીકાંત બારોટ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

તન્વીને પતિ નિકુંજ બારોટથી સંતાનમાં પુત્ર મોક્ષ (ઉ.મ-૪)ને જન્મ આપ્યો હતો. પરંતુ લગ્નના થોડા સમય બાદ નિકુંજ બારોટ પ્રેમ લગ્ન કરનાર પોતાની પત્ની તન્વીને નશાની લતને કારણે ઝઘડાઓ કરી મારઝુડ કરતો હતો. સાત આઠ માસ અગાઉ પ્રેમલગ્ન કરનાર તન્વીએ પતિ નિકુંજ બારોટ ઉપર ખાધા ખોરાકીનો કેસ હતો અને બાદમાં સ્ટેમ્પ પેપર ઉપર છૂટાછેડા લીધા હતા. અને પોતાના પિયરમાં માતા રંજનબેન સાથે પુત્રને લઈને રહેવા લાગી હતી. તે દરમિયાન પતિ નિકુંજ બારોટ અવારનવાર લાંભવેલ ગામે આવી ઝઘડા કરતો હતો. બીજી તરફ ત્રણ ચાર માસ અગાઉ રંજનબેન પટેલ દ્વારા સગા-સંબંધીઓની મદદથી પોતાની છુટાછેડા લીધેલ દીકરી તન્વીબેનના બીજા લગ્ન કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે તેના પ્રથમ પતિ નીકુલ બારોટને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. તેમજ પુત્રી તન્વીનુ નવું સરનામું પણ આપવામાં આવ્યું હતું. જેને લઇને નિકુંજ બારોટ વારંવાર લાંભવેલ ગામે આવી ઝઘડા-ધમાલ કરતો હતો. શુક્રવારે બપોરે નિકુંજ શશીકાંત બારોટ પોતાનું બાઇક લઇને પોતાની પાસેની નાની તલવાર લઈને આવ્યો હતો. આ વખતે રંજનબેન પટેલના કોઈ કુટુંબી ગામની ભાગોળે બેઠા હોય તેની સાથે માથાકૂટ કરી હતી. એ વખતે કેટલાક લોકો ભેગા થઇ ગયા હતા અને નિકુંજ બારોટને સમજાવી ને પાછો કાઢી મૂક્યો હતો. પરંતુ થોડીવાર રહીને નિકુંજ બારોટ બાઈક પર તલવાર લઈને પરત લાંભવેલ ગામે આવી ચડયો અને આડેધડ તલવાર વીંઝવાનુ શરૂ કરી દેતાં ત્યાં એકત્ર લોકોમાં પણ ભયની લાગણી વ્યાપી જવા પામી હતી. નિકુંજ બારોટે પોતાના સાસુ રંજનબેન પટેલને ગાળો બોલી પત્ની તન્વી અંગે પૂછપરછ કરી ઝઘડો કરવા લાગ્યો હતો. અને આડેધડ તલવાર વીંઝતો હોવાથી કોઈ તેની નજીક જવા માટે તૈયાર ન હતું. દરમિયાન નિકુંજ બારોટે રંજન પટેલને બોચીમાંથી પકડી નીચે પાડી દઈ ગળાના ભાગે, ખભાની પાછળના ભાગે, પેટની પાછળ પીછના ભાગે મળી આખા શરીરે આઠથી દશ જેટલા આડેધડ ઘા મારી દેતાં રંજનબેન પટેલ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમ છતાં પણ આવેશમાં નીકુંજ બારોટ ગાળો બોલી હથીયાર વીઝતો આવતો હોય ગ્રામજનોએ જેમ તેમ કરીને તેને પકડી લઈ હથિયાર છીનવી લીધું હતું અને તેને બાંધી દઈ તુરંત જ આણંદ રૂરલ પોલીસને તેમજ ૧૦૮ને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપી નીકૂંજને ઝડપી લઈને કાયદાસરની કાર્યવાહી કરી હતી.

(8:52 pm IST)