ગુજરાત
News of Saturday, 6th February 2021

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ભરેલા ફોર્મ લઇને અજાણ્‍યો શખ્‍સ નાશી છૂટયોઃ ફોર્મ પરત ન આવે તો ભાજપના 3 ઉમેદવારોની જીત સ્પષ્ટ થઇ જશે

અમદાવાદ: ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ રહી છે. તેમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની હાલત તો સાવ ખરાબ છે. ભાજપના તમામ ઉમેદવારોના ભારે તામઝામ સાથે ફોર્મ ભરાયા છે. ત્યારે કોગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારો જાહેર ન કરાતા ઉત્સાહનો અભાવ જોવા મળ્યો છે. જેથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લી ધડી સુધી નામો જાહેર ન કરાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ ગાયબ થઈ ગયો છે. તો ઉમેદવારો પાંખી હાજરી સાથે પોતાના ટેકેદારો સાથે જોવા મળ્યા છે. આ વચ્ચે અમદાવાદના જોધપુર વોર્ડમાં વિચિત્ર ઘટના બની છે. 

કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ગાયબ થયા

અમદાવાદના જોધપુર વોર્ડમાં 3 ઉમેદવારોના ફોર્મ ગાયબ થયા છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ ગાયબ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક ટિકિટ વાંચ્છુક શખ્સ ત્રણ ઉમેદવારના ફોર્મ લઈને ગાયબ થઈ ગયો છે. ત્યારે ત્રણેય કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ લઈને શખ્સ ગાયબ થયાની ચર્ચા ચાલી રહી છે. આવામાં જોધપુર વોર્ડથી કોંગ્રેસના 3 ઉમેદવારો ચૂંટણી લડી ન શકે તેવી સ્થિતિ પેદા થઈ છે. તો બીજી તરફ, જોધપુર વોર્ડમાં જંગ પહેલા જ હારથી બચવા કોંગ્રેસના મરણીયા પ્રયાસ જોવા મળ્યા છે. ગાયબ થયેલા ફોર્મ ફરીથી ભરવા કોંગ્રેસના નેતાઓમાં દોડધામ થઈ છે. નવા ફોર્મ અને ડોક્યુમેન્ટ એકઠા કરવા કોંગ્રેસમાં મથામણ ચાલી રહી છે. આવામાં 3 વાગ્યા પહેલા ફોર્મ ભરવામાં કોંગ્રેસના ઉમેદવારો નિષ્ફળ નીવડે તો ચૂંટણી પહેલાં જ જોધપુર વોર્ડમાં 4માંથી ભાજપના 3 ઉમેદવારોની જીત સ્પષ્ટ થઈ જશે.

અમદાવાદમાં એનસીપી કોંગ્રેસનું ગઠબંધન

બીજી તરફ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદમાં કોંગ્રેસ અને એન.સી.પી ગંઠબંધન સામે આવ્યું છે. કુબેરનગર વોર્ડમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને કોંગ્રેસ પક્ષે મેન્ટેડ આપ્યો છે. આ વોર્ડમાં કોંગ્રેસે એનસીપીના જગદીશ મોનાની, અમિબહેન ઝા, ઉર્મિલા પરમારને ઉમેદવાર બનાવ્યા છે.

(5:13 pm IST)