ગુજરાત
News of Saturday, 6th February 2021

ઇન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં જવેલર્સમાં આવેલ ગઠીયો સોનાના દાગીના લઈને ફરાર

પેમેન્ટ એન.ઇ.એફ.ટી કરી આપું છું, તેવું જણાવીને છેતરી ગયો : ભરૂચના ઝાડેશ્વર સુંદરમ જ્વેલર્સમાં બનાવ : ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ

ભરૂચના ઝાડેશ્વર ખાતે બપોરના સમયગાળામાં કાર લઇને શૂટબૂટમાં એક ભેજાબાજ સુંદરમ જ્વેલર્સમાં આવ્યો હતો. આ ભેજાબાજે તેની ઓળખ ઈન્કમટેક્ષ ઓફિસમાંથી આવું છું, તેમ જણાવી જ્વેલર્સ માલિક સુનિલભાઇ પાસે દુકાનના પેપર્સ તેમજ લાઇસન્સ જોવા માંગ્યા હતો. આ દરમિયાન જ્વેલર્સના માલિકે તે ભેજાબાજને દુકાનનું લાયસન્સ બતાવ્યુ હતું. ત્યારબાદ ઠગ શખ્સે જ્વેલર્સના માલિકને વાતોમાં ભોળવી તેમને વિશ્વાસ અપાવ્યો અને ઘરેણા ખરીદીની વાત કરી હતી. જે ઠગ શખ્સે ઘરેણાના બિલના પેમેન્ટ માટે જ્વેલર્સના માલિક પાસે બેંકની ડિટેલ માંગી હતી. જે પેમેન્ટ એન.ઇ.એફ.ટી કરી આપું છું, તેવું જણાવીને એનઇએફટીનો બોગસ સ્ક્રીનશોટ મેસેજ બતાવ્યો હતો અને જણાવ્યું કે, તમારા ખાતામાં પેમેન્ટ જમા થઈ ગયા છે તમે બેન્કમાં તપાસ કરી લો, ત્યારબાદ આ ભેજાબાજ બે લાખ ઉપરાંતના સોનાના દાગીના લઈને રફુચક્કર થઇ ગયો હતો. આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:44 am IST)