ગુજરાત
News of Tuesday, 6th February 2018

નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટને ભાજપે દૂર કર્યા છે: કોંગ્રેસ વિકૃત માનસિકતા દર્શાવે છે : ભરત પંડ્યા

કોંગ્રેસના શાસન સમયે ૧૦ વર્ષ સુધી ડેમના દરવાજાની મંજુરી મળી ન હતી : કોંગ્રેસને બોલવાના અધિકારો નથી

અમદાવાદ,તા. ૬, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ૨૨ વર્ષ સુધી નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટ હતું. નરેન્દ્ર મોદીના કારણે રાજ્યમાં અને કેન્દ્રમાં નર્મદા પરનું સંકટ દૂર થયું છે. કેન્દ્રમાં કોંગ્રેસના શાસન સમયે ૧૦ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજુરી ન આપી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજાની મંજુરી મળી, ત્યારે કોંગ્રેસ હતાશા અને ઇર્ષ્યામાં હતી. કોંગ્રેસે નર્મદા યોજનાને વારંવાર ખોરંભે પાડવાનું તે પાપ કર્યું છે તે ગુજરાતની જનતા ક્યારે ભુલી શકશે નહીં. એટલે કોંગ્રેસને નર્મદા યોજના કે ખેડૂતો માટે બોલવાનો કોઇ નૈતિક અધિકાર જ નથી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની લાગણીને માન આપીને ભાજપ સરકારે જે તે સમયે પાણી આપ્યું તેનો વિરોધ કોંગ્રેસ અત્યારે કેમ કરી રહી છે. એકબાજુ કોંગ્રેસ ખેડૂતોને પાણી આપવાનું કહે છે, બીજી બાજુ ભાજપે ખેડૂતોને પાણી આપ્યું તે ખોટું કર્યું છે તેમ જણાવે છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરીને પાણીના મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ કારવાનું કામ કરી રહી છે. કુદરતી સંભવિત જળ સંકટના સંદર્ભમાં કોંગ્રેસ ગેલમાં આવી જઇને વિકૃત માનસિકતા વ્યક્ત કરે છે તે યોગ્ય નથી. ભાજપ સરકારે જ નર્મદાનું પાણી હજારો ગામડાઓ સુધી પહોંચાડ્યું છે અને લોકહિત અને ખેડૂત હિત માટે જે પણ કંઇ કરશે તે ભાજપ સરકાર જ કરી શકશે. 

પંડ્યાએ જણાવ્યું હતું કે, નર્મદા ઓથોરિટી જે પાણી નિયમન-નિયંત્રણ કરે છે તેણે પાણીમાં કાપ મુક્યો છે અને મુખઅયમંત્રી વિજય રૂપાણીએ તેના સંદર્ભમાં ખેડૂતોના હિતમાં માત્ર સ્પષ્ટતા જ કરી છે ત્યારે કોંગ્રેસ તેનું ખોટું અર્થઘટન કરને ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરે અને મુખ્યમંત્રીના ખેડૂતો પ્રત્યેની લાગણીના હાર્દને સમજે. ભાજપાની રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ચારેય રાજ્યો તેમજ નર્મદા ઓથોરિટી સાથે સતત સંપર્ક-સંકલન કરીને ગુજરાતના હિતમાં યોગ્ય પગલા લેશે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.

(9:55 pm IST)