ગુજરાત
News of Tuesday, 6th February 2018

અમદાવાદ: પુરપાટ ઝડપે આવતા ટેમ્પોએ નિવૃત આર્મીમેનને હડફેટે લેતા જીવ ગુમાવવાની નોબત આવી

અમદાવાદ: શહેરમાં અકસ્માતની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. દર એકાદ-બે દિવસે પુરઝડપે અથવા તો બેદરકારીથી વાહન હંકારીને આવતા વાહનચાલકોના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. આજે વહેલી પરોઢે પણ વેજલપુર પોલીસ સ્ટેશનની સામે એક અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં નિવૃત્ત આર્મીમેનનું ઘટના સ્થળે મોત થયું છે. રોંગ સાઇડમાં આવતા ટેમ્પાે અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક પર સવાર આર્મીમેનનું મોત થયું છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ફતેહવાડી વિસ્તારમાં આવેલ શક્તિનગરમાં રહેતા મનુભાઇ પુંજાભાઇ સોલંકી આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. વહેલી પરોઢના પાંચ વાગ્યાની આસપાસ મનુભાઇ તેમની નોકરી પૂરી કરીને ઘરે પરત આવતા હતા તે સમયે વેજલપુર પોલીસ સ્ટેશનની સામે એક ટેમ્પો રોંગ સાઇડમાં પુરઝડપે આવી રહ્યો હતો.

ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો પોતાનો કાબૂ ગુમાવતાં મનુભાઇની બાઇક સાથે અથડાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનની બહાર દોડી આવી ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પાેનો ચાલક ફરાર થઇ ગયો હતો જ્યારે મનુભાઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વાસણા પોલીસે મનુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, જ્યારે ટેમ્પોચાલક વિરુદ્ધમાં બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો દાખલ કરીને તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

(6:37 pm IST)