ગુજરાત
News of Tuesday, 6th February 2018

વોટ આપવા બાબતે ગળતેશ્વરના અંગાડીમાં બે પરિવારો બાખડ્યા: સામ સામે પોલીસ ફરિયાદ

ગળતેશ્વર: તાલુકાના અંગાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટ આપવા બાબતે રોહિત પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા સેવાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અંગાડીમાં ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ - સભ્ય માટે કયા ઉમેદવારને વોટ આપ્યો તેને લઈ બે રોહિત પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધીરૂભાઈ વશરામભાઈ રોહિતેે તમે કોને વોટ આપ્યો તેમ પૂછતા નરસિંહભાઈ ધુળાભાઈ રોહિતે જણાવેલ કે અમારે જેને વોટ આપવાનો હતો તેને વોટ આપી દીધો તેમ કહેતા ધીરૂભાઈ રોહિતે ગાળો બોલી ધમકી આપી હતી. જેની જાણ થતાં જયંતીભાઈ નરસિંહભાઈ રોહિત ધીરૂભાઈને ઠપકો આપવા ગયા હતા ત્યારે ધીરૂભાઈ રોહિતે ગાળો બોલી ઘરમાંથી ત્રિકમ લઈ આવી જયંતીભાઈને માથામાં જમણી બાજુ મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જયંતીભાઈ રોહિતની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ધીરૂભાઈ તેમજ નગીનભાઈ રોહિત સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 
જ્યારે સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ રોહિતે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છેકે, જયંતીભાઈ રોહિતે ધીરૂભાઈને જણાવેલ કે તેઓએ કોને વોટ આપ્યો છે તેમ કહેતા તેમણે જણાવેલ કે અમોએ કોને વોટ આપ્યો તે અમારે કોઈને કહેવાની જરૂર નથી તેમ જણાવતા જયંતીભાઈ રોહિતે લાકડાનો ડંડો લઈ આવી ધીરૂભાઈ રોહિતને ડંડો મારી ઈજા કરી હતી તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધીરૂભાઈ વશરામભાઈ રોહિતની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે જયંતીભાઈ નરસિંહભાઈ રોહિત સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:35 pm IST)