ગુજરાત
News of Tuesday, 6th February 2018

'હું છું ગુજરાત': પોણો ડઝન ડીજીપીઓ હોવા છતાં મુખ્ય પોલીસ વડા અને એસીબી વડા પણ ઇન્ચાર્જ ડીજીપી

હાઇકોર્ટમાં આપેલી ખાત્રીનું પાલન થાય તો આવતા માસે શિવાનંદ ઝા મુખ્ય પોલીસ વડા બનશે : અહો આશ્ચર્યમ્: જેલ વિભાગ-સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ-એડમન અને આઇબીમાં ફુલટાઇમ ડીજીપી, મહત્વની જગ્યાઓ પર ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છેઃ જી.એસ.મલ્લીકની બઢતી માટે ઘણા સિનીયર આઇપીએસ અફસરોએ માનતા કેમ રાખી છે?: પડદા પાછળની જાણવા જેવી કથા

રાજકોટ, તા., ૬:  દેશમાં કયાંય ન હોય તેવી અનોખી પ્રથા ગુજરાતના પોલીસ તંત્રમાં ચાલી રહયાની વાત હવે ધીરે ધીરે આઇપીએસ અધિકારીઓ ખાનગીમાં એકબીજા સાથે ચર્ચી રહયા છે. હવે સવાલ એ થાય કે, આ અનોખી બાબત છે શું? તો ચાલો આખી વાતનો ફોડ પાડી જણાવીએ.

રાજયના પોલીસ તંત્રમાં એક સમયે ડીજીપીના તમામ સ્થાનો ખાલી હતા. હાલમાં પરિસ્થિતિ બિલકુલ ઉલ્ટી છે. રાજય પોલીસ તંત્રમાં પોણો ડઝન જેટલા ડીજીપી કક્ષાના અધિકારીઓ હોવા છતાં રાજયના મુખ્ય પોલીસ વડા પદે ઇન્ચાર્જ ડીજીપી છે. વાત અહી પુર્ણ થતી નથી. લાંચ રૂશ્વત વિભાગના વડા તરીકે પણ ડીજીપીના બદલે એડીશ્નલ ડીજીપી કક્ષાના અધિકારી ઇન્ચાર્જ છે. જો કે, એસીબીના હાલના એડીશ્નલ ડીજીપીની કાર્યક્ષમતા અંગે બેમત નથી. તેઓ સીબીઆઇનો બહોળો અનુભવ ધરાવે છે અને એ અનુભવ આધારે એસીબીમાં પણ ધરખમ સુધારા કરાવ્યા છે.

હાલના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારની નિવૃતી આડે હવે ગણત્રીના દિવસો બાકી છે. હાઇકોર્ટના આદેશ મુજબ અને સરકારે હાઇકોર્ટમાં આપેલી બાંહેધરી મુજબ હવે રાજયમાં મુખ્ય ડીજીપી તરીકે રેગ્યુલર ડીજી રાખવાની ખાત્રી આપી છે. જેની મુદત પણ પુર્ણ થવામાં છે.

હાઇકોર્ટમાં અપાયેલ ખાત્રીનો અમલ થાય તો ૧૯૮૩ બેચના સિનીયર મોસ્ટ ફિલ્ડ અને બ્રાન્ચોનો બહોળો અનુભવ ધરાવતા અને કડક હાથે કામ લઇ શકે તેવા રાજયના ગુપ્તચર વડા શિવાનંદ ઝા હક્કદાર છે. કેટલાક આઇપીએસ તથા જીપીએસ કેટલીક ચોક્કસ બાબતો આગળ ધરી તેમની વરણી અંગે ચર્ચા કરે છે. પરંતુ ભાજપ સરકારે એક અપવાદ બાદ કરતા સિનીયોરીટીનો ભંગ કર્યો ન હોવા સાથે શિવાનંદ ઝા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહની ગુડસ બુકમાં છે. બીજું દિલ્હીના પોલીસ કમિશ્નર પદ માટે પણ જેને લાયક ગણાતા હોય ત્યારે બીજી ચર્ચાઓ અસ્થાને છે તેમ આઇપીએસ ઓફીસરો માની રહયા છે.  હાલમાં રાજય સરકારે ફુલ સ્પીડથી ૧૯૮પ બેચ સાથે ૧૯૮૩ બેચના વિવાદને કારણે સુપરસીડ થયેલા વિપુલ વિજોયને સ્ટેટ ટ્રાફીકમાં ડીજી તો બનાવ્યા. પરંતુ તેઓ આ સ્થાનથી ખુશ ન હોય તેમ ડેપ્યુટેશન પર જવા હિલચાલ શરૂ કરી છે. જો કે, તેઓની નિવૃતી આડે લાંબો સમય નથી. એક આડ વાત. જેલ-આઇબી-લો એન્ડ ઓર્ડર અને એડમીસ્ટ્રેશન માટે ફુલ ટાઇમ ડીજીપી છે. પરંતુ અગત્યના સ્થાનો ઇન્ચાર્જ રખાયા છે.

રાજય પોલીસ તંત્રમાં હવે આઇજીથી એડીશ્નલ ડીજીપી કક્ષાએ બઢતી માટે કાર્યવાહી ચાલી રહી છે.આ બઢતીમાં જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લીક, હસમુખ પટેલ અને જે.કે.ભટ્ટ વિગેરેનો સમાવેશ છે. પરંતુ સૌથી વધુ ચર્ચામાં જી.એસ.મલ્લીક છે. સુરત રેન્જ આઇજી તરીકે ધરાહાર મુકાયેલા જી.એસ.મલ્લીક આ સ્થાને રહેવા તૈયાર નથી. બીજી તરફ સુરત રેન્જમાં જવા માટે પડાપડી છે. જી.એસ.મલ્લીકને બઢતી પણ મળવાની છે. સ્વભાવીક તેમની બદલી થશે. નવાઇની વાત એ છે કે, જી.એસ.મલ્લીકને બઢતી મળે અને જલ્દીથી આ સ્થાન ખાલી થાય અને પોતાનો ચાન્સ લાગે એ માટે ઘણાએ માનતાઓ પણ માન્યાનું ખાનગીમાં ચર્ચાઇ રહયું છે.

(3:36 pm IST)