ગુજરાત
News of Wednesday, 6th January 2021

ગાંધીનગર એલસીબીની ટીમે મોટી ભોયણમાં દરોડા પાડી સાત જુગારીઓને 17 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર:એલસીબીની ટીમે મોટી ભોયણમાં દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૭૯૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે અમિયાપુર ગામની સીમમાં દરોડો પાડી પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી ૩૨૬૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

જિલ્લામાં જુગારની બદી વધી રહી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે જુગારીઓ બાજી માંડીને બેસતાં હોય છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા આવા જુગારીઓને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ જિલ્લામાં જુગાર સંબંધી કેસો કરવા માટે આપેલી સૂચનાના પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.ગોવિંદભાઈને બાતમી મળી હતી કે સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી ભોયણ ગામે રહેતાં મંગાજી ડાહયાજી ઠાકોર પોતાના ઘર આગળ તીનપત્તીનો જુગાર રમાડે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને મોટી ભોયણમાં રહેતાં મંગાજી ડાહયાજી ઠાકોર, રાજુજી ધનાજી ઠાકોર, વિષ્ણુસિંહ ચીલસિંહ ઝાલા, દિનેશજી બળદેવજી ઠાકોર, મહેશજી અમરતજી ઠાકોર, શૈલેષજી વિહાજી ઠાકોર અને બળદેવજી બાબુજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૭૯૪૦ની રોકડ કબજે કરવામાં આવી હતી. બીજી બાજુ એલસીબીની અન્ય ટીમે અમિયાપુર ગામની સીમમાં ઔડાના મકાનની પાછળ દરોડો પાડીને અમિયાપુર ગામમાં રહેતા મુકેશજી રામાજી ઠાકોર, કમલેશજી બળદેવજી ઠાકોર, કાળાજી બચુજી ઠાકોર, કમલેશજી શકરાજી ઠાકોર અને મેહુલ દિનેશજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડી રોકડ અને મોબાઈલ મળી ૩૨૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(6:04 pm IST)