ગુજરાત
News of Wednesday, 6th January 2021

5 વર્ષના પુત્ર અને પત્‍નીને પિયર મુકીને આર્થિક સ્‍થિતિ સારી થઇ ગયા બાદ પરત લઇ જઇશે તુમ કહીને આવ્‍યા બાદ 15મા દિવસે માતા અને પુત્રએ સુરતમાં આપઘાત કરી લીધોઃ દેવુ થઇ જતા પોતાનું મકાન છોડીને ભાડાના મકાનમાં રહેતા

સુરત: કોરોના કાળમાં આપઘાત બનાવોમાં વધારો થઇ રહ્યો છે. પીપલોદ વિસ્તારમાં આવેલા મિલેનો હાઇટ્સમાં માતા-પુત્રે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બે દિવસથી મિત્રને આપઘાતની વાતો કરનાર શખ્સે ફોન નહી ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા ત્યારે લટકતી હાલતમાં માતા પુત્રનાં મૃતદેહ મળી આવ્યા હતા. પીપલોદના મિલેનો હાઇટ્સમાં રહેતા મહર્ષ પરેશભાઇ પારેખ (ઉ.વ 37) તેની માતા ભારતી બેન પારેખે (ઉ.વ 56) ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મિત્રોના ઘરમાંથી બંન્નેની લટકતા મૃતદેહ મળી આવ્યો હતો.

મહર્ષ ભારત પે નામની એપ્લિકેશન નામની કંપની સાથે સંકળાયેલો હતો. મહર્ષનો એક પાંચ વર્ષનો પુત્ર અને પત્ની પણ છે. જો કે તે બંન્નેને 15 દિવસ પહેલા પિયર છોડી આવ્યો હતો. આર્થિક સ્થિતી સારી થાય ત્યાર બાદ લઇ જઇશ તેમ કહ્યું હતું. મહર્ષના મિત્ર ફેનિલે જણાવ્યું કે, મહર્ષનાં પિતાનું 5 વર્ષ અગાઉ મોત થયું હતું. મહર્ષ બે દિવસથી આપઘાતની વાત કરી રહ્યો હતો. સોમવારે ફેનિલે મહર્ષનો ફોન કર્યો હતો. જો કે તેને ફોન નહી ઉપાડતા તેના ઘરે ગયા હતા. ઘર ખખડાવવા છતા નહી ખોલતા દરવાજો તોડીને તેઓ અંદર ગયા હતા. જ્યાં માતા પુત્રનો મૃતદેહ પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે પોલીસ સબ ઇન્સપેક્ટર પરાગ ડાવરાએ જણાવ્યું કે, મરનારનું બાલાજી રોડ પર મકાન હોવા છતા પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પૈસાનું દેવું વધી જવાનાં કારણે બેંકવાળા ફોન કરીને ઉઘરાણી કરતા હતા. બેંકની ઉઘરાણી કરવા માટે આવનારા લોકોને કારણે પરેશાન થઇને તે ભાડાના મકાનમાં રહેતો હતો. હાલ આ સમગ્ર મુદ્દે જો કે વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે.

(5:31 pm IST)