ગુજરાત
News of Sunday, 5th December 2021

પાલનપુરની કલબમાં જુગારની મોજ માણી રહેલા ૪૦ નબીરાઓને ઝડપી લેતી ગાંધીનગર વિજીલન્‍સ પોલીસ

પૂર્વ ક્રિકેટર દિલીપસિંહ હડિયોલ પણ ઝડપાયા : પોલીસે ૧૧.ર૦ લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો : ૬ શખ્‍સો રેડ દરમિયાન નાસી જવામાં સફળ રહ્યા હતા જો કે પોલીસે તેની સામે પણ ફરીયાદ નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી

 

અમદાવાદ: બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ જ્યોર્જ ફિફ્થ ક્લબમાંથી પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલ સહિત 40 નબીરાઓને ગાંધીનગર વિજિલન્સની ટીમે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અહીં પ્રશ્ન તે ઉભા થઈ રહ્યાં છે કે, ગાંધીનગર વિજિલન્સની ટીમે ત્રણ દિવસ અગાઉ જ હાઈપ્રોફાઈલ જૂગારધામને ઝડપી પાડ્યું હતું. જોકે, પોલીસે આજે એટલે કે, ત્રણ દિવસ પછી કેસ નોંધ્યો છે.

આ રેડ દરમિયાન પાલનપુર અને આસપાસના વગદાર માણસોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર વિજિલન્સની ટીમે પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબ પર ત્રણ દિવસ અગાઉ મોડી સાંજે અચાનક રેડ પાડી હતી. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલ સહિત અન્ય 40 શખ્સો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા.

આ દરમિયાન પોલીસે 40 જુગારીયાઓની અટકાયત કરીને રોકડ સહિત 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો મળી રહેલી માહિતી અનુસાર, રેડ પહેલા 6 શખ્સો ફરાર પણ થઈ ગયા હતા. જેથી પોલીસે 46 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:02 pm IST)