ગુજરાત
News of Saturday, 5th December 2020

‘કુત્તે કી મોત મર, મુજે તેરી કોઈ જરુરત નહીં’ મંગેતરના કડવા વહેણથી માઠું લાગતા યુવકે જીવનલીલા સંકેલી

સ્યુસાઇડના નોટ આધારે રામોલ પોલીસે યુવતીના માતા- પિતા, ભાઈ સહિત પાંચ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

અમદાવાદ: ‘જા ફાંસી લગા કે કુત્તે કી મોત મર, મુજે તેરી કોઈ જરૂરત નહી’. મંગેતરના કડવા વહેણથી માઠું લાગતા છ પેજની બે સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ નોટ કબ્જે લઈ રામોલ પોલીસે યુવતીના માતા-પિતા, ભાઇ સહિત પાંચ સામે ફરિયાદ તપાસ શરૂ કરી છે. યુવકની મંગેતર અમદાવાદથી ઉત્તર પ્રદેશ રહેવા જતી રહી હોવા છતા યુવક અવાર નવાર પૈસા મોકલી મદદ કરતો હતો. જો કે, ત્યારબાદ મંગેતર અને તેના પરિવારે લગ્ન માટે 3 લાખની માંગણી કરી સતત ત્રાસ આપતા યુવકે અંતિમ પગલું ભર્યું હતું.

રામોલ વિસ્તારમાં રહેતા માહતાબને તેની નજીકમાં રહેતી ફિરદોશ સાથે વર્ષો અગાઉ પ્રેમ થયો હતો. બે વર્ષ અગાઉ ફિરદોશ તેના માતા-પિતા સાથે ઉત્તર પ્રદેશ ખાતે રહેવા ગઈ હતી. જોકે બંને પ્રેમી ફોનથી એકબીજા સાથે વાતચીત કરતા હતા

ફિરદોશ અને તેની માતા માહતાબને ફોસલાવી વારંવાર પૈસાની માંગણી કરતા હતા. માહતાબ ફિરદોશને પ્રેમ કરતો હોવાથી તે પૈસા મોકલતો હતો. મહતાબ પાસે પૈસા ના હોય તો તે ઉછીના પૈસા લઈને પણ ફિરદોશને ત્યાં મોકલાવતો હતો. ભાઈના પ્રેમ પ્રકરણની જાણ માહતાબના ભાઈને થતાં તેઓ ઉત્તર પ્રદેશ ગયા હતા અને ફિરદોશના પિતાને વાત કરીને બન્નેના નિકાહ નક્કી કર્યા હતા.

 

આ દરમિયાન લોકડાઉન આવી જતા એપ્રિલ, 2021માં નિકાહ લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં કેટલાક દિવસ પછી માહતાબે તેના ભાઈને ફોન કરી કહ્યું કે, ફિરદોશના પિતા તેની પાસે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી રહ્યા છે. એટલું જ નહીં ફિરદોશના ભાઈઓ પણ તેની પાસે રૂપિયાની માંગ કરી રહ્યા છે અને જો રૂપિયા નહીં આપે તો નિકાહ નહીં થવા દેવાની ધમકી આપી રહ્યા છે. જેને પરિણામે માહતાબ પોતે કંટાળી ગયો હોવાની જાણ કરી હતી.

ગત તા 3-12-2020ના રોજ માહતાબના નાના ભાઈએ તેમના મોટા ભાઈને જાણ કરી કે, માહતાબે આત્મહત્યા કરી હતી. જેથી તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવ્યા હતા.

માહતાબે આત્મહત્યા કરતા પોલીસ તપાસ દરમિયાન છ પાનાંની સૂસાઈડ નોટ પણ મળી હતી. જેમાં માહતાબે લખ્યું હતું કે, તેની પ્રેમિકા કે જેની સાથે તેના નિકાહ થવાના હતા તેણે પૈસા ન આપી શકતા કહ્યું હતું કે, જા ફાંસી લગા કે કુત્તે કી મોત મર જા, મુઝે તેરી કોઈ જરૂરત નહિ.પોલીસે આ સ્યુસાઇડ નોટ કબજે લીધી હતી.

રામોલ પોલીસ સ્ટેશનમાં માહતાબના ભાઈએ ફિરદોશ પઠાણ, સલમાન પઠાણ, સગીરખાન પઠાણ, સલમાબાનુ પઠાણ અને ઇરફાન પઠાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી

(10:16 pm IST)