ગુજરાત
News of Saturday, 5th December 2020

દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇને વચગાળાના જામીન મળ્યા

સુરત લાજપોર જેલમાં દુષ્કર્મના કેસમાં બંધ હતો : સુરતની લાજપોર જેલથી બહાર આવતાની સાથે નારાયણ સાંઈને જાપ્તા સાથે અમદાવાદ લઈને પોલીસ રવાના થઈ

અમદાવાદ,તા. : દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી હોવાથી ૧૪ દિવસના વચગાળાના જામીન મળ્યા છે. આજે નારાયણ સાંઈ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાં તેણે લોકોને ભીડ કરવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના ગુનામાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે ૧૪ દિવસના ફર્લો જામીન મંજૂર કર્યા છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણ સાંઈના ફર્લો મંજૂર કર્યા છે. ડિસેમ્બર ૨૦૧૩માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદ તે પહેલીવાર જેલની બહાર આવ્યો છે. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાની સાથે નારાયણ સાંઈને જાપ્તા સાથે અમદાવાદ લઈને પોલીસ રવાના થઈ છે. નારાયણ સાંઈએ જેલમાંથી બહાર આવી જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું.

માતાની તબિયત માટે જામીન મળતા કોર્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. લોકોને આગ્રહ છે કે, વધુ ભીડભાડ ના કરે અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે. કોવિડના નિયમોનું પાલન કરે તેવો હું લોકોને આગ્રહ કરું છું. નારાયણે હાઈકોર્ટમાં પેરોલ માટે ગત અઠવાડિયે અરજી કરી હતી, જેમાં તેણે કેદીના અધિકારની વાત કરી હતી. પોતાની માતાને ગંભીર બીમારી હોવાની કોર્ટમાં તેણે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, તેની માતાનું હૃદય ૪૦% કામ કરી રહ્યું છે જેથી તે તેમને મળવા માગે છે. નારાયણની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરીને કેદીના અધિકારોને ધ્યાનમાં રાખીને ,૦૦૦ના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યા છે.

(8:52 pm IST)