ગુજરાત
News of Saturday, 5th December 2020

છોટાઉદેપુરના બે ગામોમાં પ દિવસનું સ્વયંભૂ લોકડાઉન

સંક્રમણ શહેરમાંથી ગામડામાં પ્રસરતા પગલાં લેવાયા : કોરોના સંક્રમણની ચેન તોડવા સંખેડા તાલુકાના ઈન્દ્રાલ અને સોનગીર ગામમાં પાંચ દિવસ માટે સન્નાટો છવાયો

છોટાઉદેપુર, તા. ૫ : ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ બની હોય તેમ રાજ્યમાં સતત ૧૫૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં શહેરોની સ્થિતિ બેકાબૂ બન્યા બાદ હવે ગામડાઓમાં પણ કોરોનાનો ભય ફેલાયો છે અને અને ગ્રામજનો કોરોનાની ચેનને તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન આપી રહ્યા છે.

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે હવે છોટાઉદેપુર જિલ્લાના બે ખોબલા જેવડા ગામમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ છે. આ જાહેરાતના પગલે ગામની દુકાનો અને આ વિસ્તારમાં પ્રસિદ્ધ રણછોડજીનું મંદિર અને અન્ય મંદિરો પણ બંધ છે ગામમાં સૂનકાર છવાયો છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ સોનગીર આ બન્ને ગામ એકબીજાને અડોઅડ આવેલા છે. ઇન્દ્રાલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધતા બન્ને ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા બન્ને ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના પગલે આ બન્ને ગામો આજથી પાંચ દિવસ સુધી લોકડાઉન રહેશે.

સોનગીર અને ઇન્દ્રાલ આ બન્ને ગામમાં આજથી લોકડાઉન થયું છે. ઇન્દ્રાલ ગામમાં રણછોડજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરે બારેયમાસ ભક્તો દર્શાનાર્થે આવતા હોય છે. ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે આ મંદિર ઉપરાંત ગામના તમામ મંદિરો બંધ રખાયા છે. ગામની નાની મોટી દુકાનો અને અન્ય વેપાર ધંધા પણ બંધ રખાયા છે.

(8:51 pm IST)