ગુજરાત
News of Saturday, 5th December 2020

ગાંધીનગરના ચ માર્ગ નજીક બપોરના સમયે પુરપાટ ઝડપે જતી કારે બાઈક સવારને હડફેટે લેતા સારવાર દરમ્યાન ચાલકનું મૃત્યુ

ગાંધીનગર: શહેરમાં અકસ્માતોની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને કોઈપણ સ્પીડ બ્રેકર વગરના ચ-માર્ગ ઉપર વાહનો પુરઝડપે દોડતાં હોય છે અને નાના વાહનચાલકો સાથે અકસ્માત સર્જતા હોય છે ત્યારે આજે બપોરે સે-૧૭માં હેલીપેડ જવાના વળાંક ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં નિવૃત કર્મચારી એવા વૃધ્ધનું મોત થયું હતું. આ ઘટના અંગે તેમની પુત્રી આનંદિકાબેન ચૌહાણે ફરીયાદ નોંધાવી હતી કે તેમના પિતા જીવણભાઈ નાનજીભાઈ ચૌહાણ જુના સચિવાલય બ્લોક નં.પ માં આરોગ્ય વિભાગમાં હેડકલાર્ક તરીકે ફરજ બજાવતાં હતા. વર્ષ ર૦૧૮માં નિવૃત થયા હતા. જો કે આ વિભાગમાં તે કરાર આધારિત કામ કરતાં હતા. ઓફીસે આવવા જવા માટે જીજે-૧૮-એમ-પ૦રપ નંબરના બાઈકનો ઉપયોગ કરતાં હતા. આજે પણ તેઓ તેમનું બાઈક લઈને કચેરીએ જવા માટે નીકળ્યા હતા તે દરમ્યાન ચ-૩ સર્કલથી ચ-પ વચ્ચે સે-૧૭ના હેલીપેડ કટ પાસે પુરઝડપે જતી કાર નં.જીજે-૧૮-બીજે-રર૦૭ના ચાલકે જીવણભાઈના બાઈકને જોરદાર ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ તો આ ઘટના અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

(5:47 pm IST)