ગુજરાત
News of Saturday, 5th December 2020

અમદાવાદમાં કોરોના રસી સ્‍ટોરેજ કરવાની ક્ષમતા ઉપલબ્‍ધઃ કોર્પોરેશન તંત્ર પાસે અર્બન હેલ્‍થ સેન્‍ટર સહિત 81 સેન્‍ટરો ઉપર આઇએલઆર મશીનની સુવિધા

અમદાવાદઃ જો કોરોનાની વેકસીન આવી જાય તો તેનું સ્ટોરેજ કરવાની અમદાવાદ મ્યુનિ. તંત્રની ક્ષમતા છે ? આ ઉત્તરનો જવાબ હકારાત્મક છે. AMC તંત્ર અમદાવાદ શહેરમાં ઓછામાં ઓછા દૈનિક 50 હજાર નાગરિકોને કોરોનાની રસી આપી શકાય તેટલી સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે.

અમદાવાદ મ્યુનિ. તંત્ર પાસે અર્બન હેલ્થ સેન્ટર સહિત 81 સેન્ટરો ઉપર ILR મશીન ઉપલબ્ધ છે. જ્યાં કોરોનાની વેકસીન સ્ટોર થઈ શકે તેમ છે. ઓછામાં ઓછી ગણતરી કરો તો પણ 50 હજાર વેકસીન સ્ટોર કરી એક દિવસમાં તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. ચાર દિવસમાં 11 લાખ બાળકોને પોલિયોના ડ્રોપ પીવડાવી શકે છે, આ મ્યુનિ. તંત્રની સ્ટોરેજ કેપેસિટીનું ઉદાહરણ છે.

દેશમાં ત્રણ સ્થળોએ કોરોનાની રસીનુ પરીક્ષણ ચાલી રહ્યું છે. હાલ પરિક્ષણનો ત્રીજો તબકકો ચાલી રહ્યો છે. ખુદ વડાપ્રધાન એવું કહી ચૂક્યા છે કે, થોડા દિવસોમાં ભારતીય નાગરિકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ બનશે. લોકો આતુરતાથી કોરોનાની રસીની રાહ જોવા રહ્યાં છે.

આગામી દિવસોમાં કોરોના ની રસી શોધાઈ જાય તો તેને આપવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ખાસ રણનીતિ બનાવી છે. પહેલા તબક્કામાં ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફના 40 હજાર લોકોને આ રસી અપાશે. પ્રશ્ન એ થાય છે કે કોરોનાની રસીની સ્ટોરેજ કરવા માટે કોર્પોરેશન પાસે પૂરતી સુવિધાઓ છે. આ જવાબ એ છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના 81 જેટલા અર્બન હેલ્થ સેન્ટર સહિત અન્ય સેન્ટરોમાં રસી સ્ટોરેજની વ્યવસ્થા છે.

આ માટે ખાસ મશીનો ગોઠવેલા છે. આ સિવાય કોર્પોરેશનની 3 હોસ્પિટલમાં પણ સંગ્રહ કરવાની વ્યવસ્થા છે. આમ સાદી ગણતરી કરીએ તો પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ઓછામાં ઓછી 50000 રસીનું સ્ટોરેજ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે તેમ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર સેન્ટર ઉપર 11 લાખ જેટલા બાળકોને પોલિયોના રસીનું સ્ટોરેજ કરવામાં આવે છે અને ચાર દિવસ 11 લાખ બાળકોને પોલિયો ડ્રોપ પીવડાવામાં આવે છે. ભવિષ્યમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ક્ષમતા જોતા રસીને સ્ટોર કરવી અને તેને નાગરિકો સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં કોઈ અડચણ આવે તેવું લાગતું નથી તેવું સત્તાવાર સૂત્રો જણાવે છે.

(4:45 pm IST)