ગુજરાત
News of Saturday, 5th December 2020

ગુજરાતમાં ૭૦૦ સ્થળોએ ૫૦,૦૦૦થી વધારે બેડની સુવિધા : ૧૧ નિષ્ણાંતોની ટીમ બનાવાઇ

રાજ્યમાં કોરોના મૃત્યુદરનો આંકડો ૧.૯૦ ટકા રીકવરી રેટ ૯૧.૬ ટકા, હાલ ૧૪,૮૮૫ એકટીવ કેસ : અમદાવાદ સિવિલમાં ૧૬૦ બેડ વધારાયા : પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર,તા. ૫: ગુજરાત સરકાર કોરોના સંક્રમણને રોકવા માટે શકય તેટલા પ્રયાસોમાં લાગેલી છે. ગુજરાતના ૭૦૦ સ્થળો પર ૫૦ હજાર ૩૮૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. તો કોરોના દર્દીઓને નજીકમાં જ સારવાર મળી શકે તે માટે બધા જીલ્લા હેડકવાર્ટરો પર કોવિદ હોસ્પિટલ કાર્યરત કરી છે.

ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગે યોગ્ય પગલા લીધા હોવાથી રાજ્યમાં કોરોના મૃત્યુદરનો આંકડો ૧.૯૦ ટકા થઇ ગયો છે. જ્યારે રીકવરી રેટ ૯૧.૦૬ ટકા છે. પોઝીટીવીટી ટેસ્ટ ૧૩ ઓગસ્ટે ૧૬.૧૫ ટકા હતો તે એક ડીસેમ્બરે ઘટીને ૨.૬૮ ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં ૧૪,૮૮૫ એકટીવ કેસ છે.

કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફયુ ચાલુ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર વધુ પગલાઓ પણ લેશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧,૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં ૧૫૦ બેડ, કેન્સર અને કીડની હોસ્પિટલમાં ૧૬૮ બેડ અને ઇએસઆઇસી બાપુનગરમાં ૨૫૦ બેડ સહિત કુલ ૭૨૮ બેડ વધારાયા છે.

તેમણે  કહ્યું કે વોક ઇન ટેસ્ટીંગ માટે ૫.૩ લાખ મુસાફરોના ટેસ્ટીંગ કરાયા હતા. જ્યારે ટ્રેનમાં ૧૦,૦૦૦થી વધારે ટેસ્ટીંગ થયા છે. દસ હજાર કોમર્શીયલ બીલ્ડીંગમાં ટેસ્ટીંગ કરાયા હતા. દિવાળી દરમ્યાન દસ હજારથી વધારે સુપર સ્પ્રેડરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. રેપીડ એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા હાલમાં સામુદાયીક આરોગ્યકેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અને વોક ઇન ટેસ્ટીંગ કીયોસ્ક જેવા સ્થળોએ ઉપલબ્ધ છે.

(2:43 pm IST)