ગુજરાત
News of Saturday, 5th December 2020

અમદાવાદમાં હજારોની પોલીસ ફોજના ટેસ્ટીંગ શરૃઃ એ ટૂ ઝેડ વ્યવસ્થા

કોરોનાથી લોકોને ઉગારવા માટે જીવના જોખમે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ અને તેમના પરિવારનો જીવ બચાવવા રણનીતિ તૈયાર : સાજા થયા બાદ ૬ માસ ઘેર કાળજી રાખી શકે તેવું આયોજનઃ જોઈન્ટ પોલીસ કમિશનર દરેક સેન્ટર પર હાજર રહી સ્ટાફનું મનોબળ વધારે છે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં ચાલતા પ્રોજેકટનાં સુકાની અજય ચૌધરી 'અકિલા' સાથે અથ થી ઈતિ સુધીની રસપ્રદ બાબતો વર્ણવે છે

રાજકોટ તા.૫: એક વખત કોરોના સંક્રમિત થયા બાદ ૬ માસ સુધી પોલીસ સ્ટાફ ઘેર પણ સાવચેતીના પગલા લઈ શકે તે માટે ખાસ મેડીકલ કીટની વ્યવસ્થા સાથે દરરોજ ફરજ પર આવે ત્યારે નિષ્ણાત મેડિકલ ડોકટરની હાજરીમાં તેમના ઓકિસજન લેવલથી માંડી તમામ જરૂરી ચકાસણી કરી સંક્રમિત થયેલ સ્ટાફની કય રીતે વ્યવસ્થિત સારવાર થાય તેની આખી રણનિતી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં તૈયાર કરી હોવાનું અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર હેડકવાટર અને એડમીન શ્રી અજય ચૌધરી દ્વારા અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદમાં વધતા જતા કોરોના મહામારી સામે પોલીસ ફોજને બચાવવા માટેના જંગની રસપ્રદ વિગતો વર્ણવતા જણાવેલ.

શ્રી અજય ચોધરી વિશેષમાં જણાવેલ કે મહા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં આવેલ મેડિકલ અર્બન સેન્ટરોમાં કોરોનના ટેસ્ટ ચાલુ થયા છે. હજારોની સંખ્યામાં સમગ્ર પોલીસ ફોજના જયાં ટેસ્ટો ચાલી રહ્યા છે તેવા સ્થળો પર તેઓ જાતે હાજર રહી પોલીસ સ્ટાફ ને કોઈ ચિંતા ન કરવા લાગણીપૂર્વક જણાવે છે જેને કારણે પોલીસ તંત્રને પોતાની કાળજી લેનાર છે તેવી લાગણી ઊભી થવા સાથે આ કપરા સમયમાં હિંમતભેર ફરજ બજાવવામાં નવું બળ સાંપડી રહ્યું છે.

 અત્રે યાદ રહે કે કોરોના પ્રારંભથી જ વિવિધ પોલીસ લાઇન સેનેટાઈઝર કરવાની કામગીરી પણ ઉત્સાહ વધારવા અજય ચોધરી દ્વારા જાતેજ પંપ લઈ શરૂઆત થતાં પોલીસ સ્ટાફ અને પરિવાર પણ આફ્રિન થયેલ.

બીજા શબ્દોમાં કહીએ તો રાજય પોલીસ તંત્રમાં પોલીસ પાસે લોકોના કામમાં સખત પરંતુ આજ પોલીસ સ્ટાફના કલ્યાણમાં રાજકોટ સીપી હતા તે સમય થી જ આગળ રહેતા સંજય શ્રી વાસ્તવ ને તેમની નીતિઓનો ખરા અર્થમાં આગળ વધારે તેવા સાથી અધિકારી મળી ગયા છે તેવી પોલીસ સ્ટાફની વ્યાપક લાગણી છે.

(2:41 pm IST)