ગુજરાત
News of Saturday, 5th December 2020

બારડોલીના નાંદીડાના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પદ છીનવાયુ

7 વિરુદ્ધ 2 મતોથી દરખાસ્ત પારિત થતાં હોદ્દા પરથી દૂર કરાયા: સભ્યોને વિશ્વાસં લીધા વિના કામો કરતા હોવાનો આરોપ

બારડોલી : બારડોલી તાલુકાના નાંદીડા ગામની સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. જેમાં સરપંચની સામે 7 વિરુદ્ધ 2 મત પડતાં સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. વિકાસના કામો અને પંચાયતના અન્ય કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોય સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચ જિન્નતબેન પ્રફુલ રાઠોડ પોતાની મનમાની મુજબ કામ કરતાં હોવા ઉપરાંત વિકાસના કામો તેમજ પંચાયતના નિર્ણયોમાં પણ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા આવી હતી.
તમામ સભ્યોની અવગણના કરી કોન્ટ્રાકટર સાથે મિલીભગતમાં કામ કરવામાં આવતા હોવાથી સભ્યોમાં ભારે રોષ હતો. જેના પગલે ગત 20મી ઓક્ટોબરના રોજ સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત માટે તાલુકા પંચાયતમાં અરજી કરવામાં આવી હતી.
 અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સામાન્ય સભા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં સરપંચ જિન્નત સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. સભામાં સરપંચની વિરુદ્ધમાં 7 મતો જ્યારે સરપંચની તરફેણમાં 2 મતો પડ્યા હતા. સરપંચની વિરુદ્ધ વધુ મતો પડતાં સરપંચ જિન્નતબેનને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

(10:02 am IST)