ગુજરાત
News of Friday, 5th October 2018

દ્રઢ મનોબળ અને ઇચ્‍છાશક્તિ, પરિશ્રમ કરીઅે તો ધારીઅે તેવી સફળતા મળેઃ અમદાવાદમાં અેસ.ટી. ડ્રાઇવરના પુત્ર આઇ.ટી. કંપનીના માલિક બન્યા

અમદાવાદઃ દ્રઢ મનોબળ, સતત અભ્યાસ, કઠોર મહેનત અને પ્રામાણિકતા જેવા ગુણો સાથે અસંભવને સંભવ બનાવી શકાય છે એવું આપણે સૌએ સાંભળ્યું છે, પરંતુ અમદાવાદના ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના આંત્રપ્રિન્યોર કલ્પેશ પટેલે આ વાત સત્ય સાબિત કરી છે. એસ.ટી. બસ ડ્રાઇવર પિતાના સંતાન એવા કલ્પેશભાઇ પોતાની મહેનતથી ગુજરાતના સફળતમ આઇટી પ્રોફેશનલ બન્યાં અને આજે ૧૦૦થી વધારે કર્મચારીઓ ધરાવતી આઇટી કંપનીના માલિક છે. શૂન્યમાંથી સર્જનની તેમની એ સફર સામાન્ય પરિવારમાંથી આવતા અનેક યુવાનો માટે પ્રેરણાદાયક છે.

સંઘર્ષમય બાળપણઃ

ગાંધીનગર જિલ્લાના કડી ખાતે 1980માં જન્મેલા કલ્પેશભાઇ પટેલનું બાળપણ અનેક રીતે સંઘર્ષમય હતું. પિતા ગોવિંદભાઇ એસ.ટી. બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા પરંતુ પુત્રને શ્રેષ્ઠ ગુણો અને ઉત્તમ શિક્ષણ આપવા માટે દિવસ-રાત પ્રયત્નશીલ રહેતા હતા. પાંચમા ધોરણમાં જ કલ્પેશભાઇએ માતા ગંગાબેનના મૃત્યુનો આઘાત સહેવો પડ્યો પરંતુ પિતાએ તેમના ઉછેર માટે ભગિરથ પુરુષાર્થ ચાલુ જ રાખ્યો. અભ્યાસમાં અત્યંત તેજસ્વી કલ્પેશભાઇએ 11-12 ધોરણ ગાંધીનગર ખાતે પૂર્ણ કર્યાં અને ત્યારબાદ DDITથી સ્નાતક બન્યાં. કોલેજ પૂર્ણ થતાં અગાઉ જ અમદાવાદની આઇટી કંપની સિસ્ટમ્સ પ્લસમાં તેમનું કેમ્પસ પ્લેસમેન્ટ થયું અને આ પરિવારમાં ખુશીઓનું આગમન નિશ્ચિત બન્યું પરંતુ એ જ વર્ષે તેમના પિતાનું અવસાન થયું. કલ્પેશભાઇ કહે છે, “નાનપણથી મારા માતા-પિતાએ મારા ઉછેર માટે ઘણો સંધર્ષ કર્યો અને તેમના પુરુષાર્થ અને પ્રામાણિકતાના ગુણ મેં જીવનમાં ઉતાર્યાં છે.”

અનુભવથી ઘડાયાઃ

2003 સુધી અમદાવાદમાં આઇટી ક્ષેત્રે કામ કર્યાં બાદ કલ્પેશભાઇ 2003માં પૂણે ગયા અને બે કંપનીઓમાં કામ કર્યું. ત્યારબાદ તેઓ મુંબઇમાં મોર્ગન સ્ટેન્લીમાં આઇટી મેનેજર તરીકે જોડાયાં અને ત્યાં નોન-આઇઆઇટી બેકગ્રાઉન્ડ ધરાવતા જૂજ કર્મચારીઓ પૈકી એક હતા. 2007માં તેઓ અમદાવાદની વિખ્યાત સિગ્નેક્સમાં જોડાયાં. કલ્પેશભાઇ કહે છે, “એ સમયે ઓપનસોર્સનો વ્યાપ વધી રહ્યો હતો અને મેં અલ્ફ્રેસ્કો સિસ્ટમની સૌથી મોટી ટીમ સિગ્નેક્સમાં ઊભી કરી હતી. 2008માં હું એશિયા-પેસિફિકમાં બીજો સર્ટિફાઇડ ટ્રેનર બન્યો હતો. જોકે, 2010ના અંત સુધીમાં મને લાગ્યું કે મારી એનાલિટિક્સ સ્કિલ્સનો ઉપયોગ કરીને અન્યોને શિખવું તો બિઝનેસ ઓટોમેશનને નવી ઊંચાઇ સુધી લઇ જવાની ક્ષમતા છે. આ માટે પોતાની કંપની શરૂ કરવા માટે સાહસ કર્યું. મેં સૌપ્રથમ 2011માં સોલ્યુશન એનાલિસ્ટ્સની સ્થાપના કરી, જે મોબાઇલ પ્રોજેક્ટ્સ અને એપ ડેવલપમેન્ટમાં સક્રિય છે. કંપની હાલમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)માં ઝડપી વૃદ્ધિ કરી રહી છે. સૌપ્રથમ રૂ. 2.20 લાખનો પ્રોજેક્ટ મળ્યો હતો અને ગયા નાણાંકીય વર્ષના અંતે રૂ. 8 કરોડથી વધારે ટર્નઓવર નોંધાયું હતું.”

પત્નીનો મળ્યો સાથઃ

કલ્પેશ પટેલે કંપની શરૂ કરી ત્યારે બે કન્સલ્ટન્ટ્સ સાથે કામ શરૂ કર્યું હતું અને નક્કી કર્યું હતું કે રૂ. 17 લાખનું નુકસાન થાય ત્યાં સુધી કંપની ચાલુ રાખશે. કુદરત પરીક્ષા કરતી હોય એ રીતે એવો સમય પણ આવ્યો કે જ્યારે તેમની પોતાની બચતનું તળિયું આવી ગયું પરંતુ તેમના પત્ની કિંજલબહેને કોઇપણ પરિસ્થિતિમાં ટકી રહેવાની હિંમત આપી અને અત્યંત કરકસરથી રહેવાની પણ તૈયારી બતાવી અને કલ્પેશભાઇનું સાહસ અંતે સફળ સાબિત થયું છે. આજે તેમની કંપની 90 ટકા રેવેન્યૂ યુએસ માર્કેટથી મેળવે છે અને 9 ટકા રેવેન્યૂ યુરોપ અને ઓસ્ટ્રેલિયાથી મેળવે છે. તેમણે એન્ટરપ્રાઇઝિંગ સોલ્યુશન્સ ઓફર કરતી કંપની કોન્ટસેન્ટ્રિક પણ 2016માં સ્થાપી છે અને તેમાં પણ હાલમાં 18 કર્મચારીઓ છે.

અંધજનો માટે અનોખા ચશ્મા વિકસાવ્યાઃ

કલ્પેશ પટેલની કંપનીએ જાપાનની મોનોકા કંપની માટે એક ખાસ પ્રકારના ચશ્મા વિકસાવ્યાં છે, જે અંધજનોના દૈનિક જીવનને સરળ બનાવે છે. આ ચશ્માં કેમેરા અને વોઇસ કમાન્ડ ધરાવે છે, જે અંધજનોને તેમની સામેના તમામ અવરોધો વિશે માહિતી આપે છે. રોડ પરના સિગ્નલ કે દિવાલ વિશે તેમને એલર્ટ કરે છે. જાપાનની કંપની માટે આ ચશ્મા બનાવતી વખતે તેમણે તેનો કોડ કોપી નહીં કરવાના કરાર કર્યાં છે પરંતુ તેઓ આ પ્રકારની પ્રોડક્ટ વિકસાવી શકે છે અને તેઓ ભારતના અંધજનોને મદદ કરવા માટે તેમાં અનેક સુધારા પણ કરી રહ્યા છે. તેઓ સરકાર દ્વારા પણ આ પ્રોડક્ટને વેગ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

એમ્પ્લોયીને હંમેશા પ્રાથમિકતાઃ

કોઇ જ પ્રકારના મજબૂત ફેમિલી બેકગ્રાઉન્ડ વગર પોતાની મહેનત દ્વારા સફળ આઇટી ઉદ્યોગ સાહસિક બનેલા કલ્પેશ પટેલ માને છે કે કર્મચારીઓ જ કંપનીની સૌથી મોટી મૂડી છે અને તેઓ કર્મચારીઓની એ પ્રકારે જાળવણી કરે છે કે ઊંચા એટ્રિશન રેટ માટે પંકાયેલા આઇટી ઉદ્યોગમાં હોવા છતાં તેમની કંપનીમાં એટ્રિશન રેટ ૩ ટકાના નીચા સ્તરે છે. તેમના સૌપ્રથમ કર્મચારી અને સૌપ્રથમ ગ્રાહક આજે પણ તેમની સાથે જોડાયેલા છે. “સામાન્ય રીતે કંપનીના પર્ફોર્મન્સના આધારે કર્મચારીઓનું ઇન્ક્રિમેન્ટ નક્કી કરવામાં આવતું હોય છે પરંતુ હું માનું છું કે કંપનીના પર્ફોર્મન્સ માટે પ્રમોટર જવાબદાર છે, કર્મચારી નહીં અને તેથી કર્મચારીને તેના પર્ફોર્મન્સ મુજબ ઇન્ક્રિમેન્ટ મળવું જ જોઇએ,” એમ કલ્પેશ પટેલ કહે છે.

મુશ્કેલીમાં સાથ મળ્યો અને કિસ્મત પલટાઇ ગઇઃ

સફળ પ્રોફેશનલ તરીકેની કારકિર્દી છોડીને પોતાની આઇટી કંપની શરૂ કરવાનો નિર્ણય કરતી વખતે કલ્પેશ પટેલ અત્યંત ઉત્સાહિત હતા અને તેમણે પ્રારંભમાં સારા ઓર્ડર પણ મેળવ્યા હતા. જોકે, થોડાં જ સમયમાં તેમના ત્રણ ઓર્ડરના પેમેન્ટમાં વિલંબ થયો અને કંપની પાછળના ખર્ચમાં તેમની પાસેની તમામ બચત ખર્ચ થઇ ગઇ. કર્મચારીઓનો પગાર જ્યારે વિલંબમાં મૂકાયો ત્યારે તેઓ હતાશ થઇ ગયા. જોકે, કુદરતી રીતે તેમને એક મિત્રએ સામેથી રૂ.૧ લાખની મદદ કરી અને તેઓ કર્મચારીઓનો પગાર કરી શક્યા. જોકે, તેમના કર્મચારીઓએ કલ્પેશભાઇને જણાવ્યું હતું કે બે-ત્રણ મહિના સુધી પગાર નહીં થાય તો પણ તેઓ સતત કામ કરવા તૈયાર છે કારણ કે કંપની યોગ્ય રીતે કાર્ય કરી રહી છે. એ દિવસ બાદ કંપનીની પ્રગતિમાં ક્યારેય અંતરાય નથી આવ્યો એમ કલ્પેશ પટેલ જણાવે છે.

(5:08 pm IST)