ગુજરાત
News of Thursday, 5th August 2021

10 હજાર બોડી બોર્ન કેમેરા પોલીસકર્મી પર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ : સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવાશે : સોલાર રૂફટોપથી પોલીસ મથકોને સજ્જ કરાશે

અમદાવાદ : 10 હજાર બોડી બોર્ન કેમેરા પોલીસકર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે. સોલાર રૂફટોપથી પોલીસ મથકોને સજ્જ કરાશે. આમ રાજયના લોકોની સુરક્ષા-સલામતી અને શાંતિ માટે પોલિસ હર હંમેશાં તૈયાર રહેશે. ગૃહ વિભાગ કોઇપણ ગુનેગારોને છોડાશે નહી કોઇને શેહશરમ ભરશે નહી તેમ મંત્રીએ જણાવ્યું હતું.

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટર, પોલીસ વડા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકની કચેરી, હિંમતનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પ્રેઝન્ટેશન દ્વારા સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લામાં પોલીસ વિભાગના મહેકમ, પ્રોહીબીશન, બાઇક ચોરી, મિલકત સબંધી ગુન્હાઓ, હથિયારબંધી, આંતર રાજયમાંથી આવતા દારૂની હેરાફેરી, ગુનેગારોની ધરપકડ, અટકાયતના પગલાં, પાસા તડીપાર, પેરોલ ફર્લોની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ એકટ, ગુમ આપહરણ, ટ્રાફિક સમસ્યા, ઇડરીયા ગઢની આસપાસ ખનીજ ખનન, બાયોડિઝલના ગેરકાયદે વેચાણ, કોમોડીટી એકટ એન.ડી.પી. એસના ગુન્હા, રેમડેસીવરના કાળાબજાર , રેશનીંગના અનાજના કાળાબજાર, વેચાણ, જુના વાહનો પોલીસ સ્ટેશનમાં છે તેનો નિકાલ, CCTV વિશ્વાસ-1 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે ગૂના ખોરીને ડામવા માટે હિંમતનગર ખાતે 24 સ્થળોએ 131 કેમેરા લગાવવામાં આવશે.

તેમજ વિશ્વાસ-2 પ્રોજેકટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહમામાં 13 સ્થળોએ 81 કેમેરા, ઇડર ખાતે 18 સ્થળોએ 113 કેમેરા મુકવામાં આવશે. વિશ્વાસ-1 અને 2 મળી કુલ 55 સ્થળોએ 325 કેમેરા ગોઠવવામાંઆવશે. અંદાજે 329 કરોડના ખર્ચે મુકવામાં આવશે.તથા રૂઢિગત ગ્રામસભા પંચાયત વગેરે બાબતે બેઠકમાં સર્ચા કરાઇ હતી.

આ ઉપરાંત નગરપાલિકા વિસ્તાર ઇડર, હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તથા વાહન અકસ્માત અંગેના બ્લેક સ્પોર્ટ દુર કરવા સહીતની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી અને પોલિસ સ્ટેશનમાં સી.સી. ટીવી કેમેરા તથા જુદા જુદા રોડ પર ક્રાઇમ ડિટેકટ માટે કેમેરા મૂકીને કાયદો વ્યવસ્થા જાળવા માટેના પ્રયાસો પર ભાર મૂકયો હતો.

આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા અને પ્રાતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, રેન્જ આઇ.જી. અભય સુડાસમા, જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર તેમજ વિભાગીય પોલીસ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. અને પ્રેઝટેશન મારફત સાબરકાંઠા જિલલામાં થયેલ કામગીરીને મંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

(8:33 pm IST)