ગુજરાત
News of Thursday, 5th August 2021

ભાજપના મહીસાગર જિલ્લાના નેતા ત્રિભોવન પંચાલ અને તેમના પત્નીની હત્યાથી ખળભળાટ

લુણાવાડા પોલિસ અને ધારાસભ્ય સેવક તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે :પોલિસે ડૉગ સ્કવૉડ અને એફએસએલની મદદ લીધી

લુણાવાડાઃ રાજ્યમાં ભાજપના નેતા અને મહીસાગર જિલ્લાના કારોબારી સભ્ય ત્રિભોવન પંચાલ અને તેમની પત્ની હત્યાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવન પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની ગઈ કાલે મોડી રાતે અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી છે. ઘટના બાદ ભાજપના સભ્યો અને આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા છે. માથામાં પાઈપ અને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારી બંનેની હત્યા કરવામાં આવી છે. દંપત્તિની હત્યા વિશે ગામ લોકોને સવારે ખબર પડી ત્યારબાદ પોલિસે આ મામલે ડૉગ સ્કવૉડ અને એફએસએલની મદદ લીધી છે.

ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામની છે. જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવન પંચાલની લાશ તેમના ઘરના ગાર્ડનમાંથી મળી આવી છે. જ્યારે તેમના પત્ની જશોદાબેનની લાશ ઘરમાંથી મળી આવી છે. તેમના પત્નીની પણ લોહીલૂહાણ હાલતમાં લાશ મળી છે. એક ધારાસભ્ય સેવકે જણાવ્યુ હતુ કે સવારે 8.30 વાગે માહિતી મળી હતી. લુણાવાડા પોલિસ અને ધારાસભ્ય સેવક તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમણે જણાવ્યુ કે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કરીશુ. આ ઘટના અમારા માટે ખૂબ જ દુઃખદ છે.

અત્રે ઉલેલ્ખનીય છે કે ત્રિભોવન પંચાલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ પંચાલ સમાજના પ્રમુખપદે પણ વર્ષોથી કાર્યરત હતા. મૃતક ત્રિભોવન પંચાલ સમાજના પ્રમુખ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગામ ખાતે પહોંચી ગયા છે. ગામ લોકોનુ કહેવુ છે કે ત્રિભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ ભાજપના જૂના કાર્યકર છે. તેમનુ કોઈ દુશ્મન ના હોઈ શકે. આવા સંજોગોમાં તેમની હત્યાનુ કારણ જાણવુ ખૂબ મહત્વનુ બની જાય છે. ત્રિભોવનભાઈ પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલમાં કેનેડા રહે છે. એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે જ્યારે ત્રીજા દીકરાનુ કોરોનાથી નિધન થઈ ગયુ છે.

(1:12 pm IST)