ગુજરાત
News of Wednesday, 5th August 2020

ગુજરાત કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા કોરોના સામે જીતી ગયાઃ રાજપીપળાની હોસ્‍પિટલમાંથી 16 દિવસ બાદ રજા અપાઇ

રાજપીપળા: કોરોનાનો કહેર દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ઘણાં ખરાં નેતાઓ અને અધિકારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. ગુજરાત કોંગ્રેસનાં મહામંત્રી હરેશ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 21/7/2020નાં રોજ કોરોનાની સારવાર અર્થે દાખલ કરાયા હતાં. 16 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાંથી તેઓ પોતાનાં નિવાસસ્થાને પરત ફર્યા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 21/7/2020થી એમની સારવાર ચાલુ થઈ હતી. એ દરમિયાન 26/7/2020નાં રોજ એમની તકલીફમાં વધારો થતાં તાત્કાલિક વડોદરાની ખાનગી યુનિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં 11 દિવસની ધનિષ્ઠ સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા 5 મી ઓગસ્ટનાં દિવસે એમને ત્યાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં તેઓ પોતાનાં નિવાસસ્થાને નિયમ મુજબ 15 દિવસ માટે હોમ કોરોન્ટાઇન રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા લોકડાઉન દરમ્યાન સેવાકીય કાર્યો કર્યા હતાં. તેઓ પ્રદેશ કોંગ્રેસની ટ્રેનિંગ અર્થે પણ ગયા હતાં. સાથે-સાથે સંગઠનનાં વિવિધ કામ અર્થે તેઓ અવારનવાર ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસ અર્થે પણ જતા હતાં. કદાચ એ પ્રવાસ દરમિયાન તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હશે એવું માનવામાં આવી રહ્યું હતું. હાલમાં તેઓ કોરોનાની સારવાર લઈને ઘરે પરત ફરતા એમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ છે.

ઉલ્લેખનીય છે કે 21/7/2020 નાં રોજ રાજપીપળા ખાતે ધન્વંતરી રથમાં કોવિડ ટેસ્ટ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓેને જે-તે સમયે છેલ્લાં 3-4 દિવસથી તાવ અને ઉધરસની ફરિયાદ હતી. બાદમાં એમને તાત્કાલિક રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.

(5:27 pm IST)