ગુજરાત
News of Wednesday, 5th August 2020

વિધાનસભાના સત્રને કોરોનાની અસર : જુનિયર પ્રધાનોને ગૃહમાં પબ્લીક ગેલેરીમાં બેસવું પડશે

સોશ્યલ ડિસ્ટન્સ રાખવા રૂપાણી - પટેલ પણ એક બેંચ ઉપર નહિ બેસે : અલગ બેસશેઃ કોઇપણ મુલાકાતીઓને પ્રવેશ નહિ અપાય : સ્ટાફ પણ જરૂર પૂરતો જ રહેશે

અમદાવાદ તા. ૫ : કોરોના વાયરસ મહામારીની અસર દરેક પ્રકારના કામકાજ પર થઈ છે અને આમાંથી ગુજરાત વિધાનસભા પણ બાકાત નથી. આગામી મહિને ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે જેમાં ભાગ લેનારા અમુક ધારાસભ્યોને પબ્લિક ગેલેરીમાં બેસાડવામાં આવશે. ૧૯૬૦માં બોમ્બેથી રાજય છૂટું પડ્યું ત્યાર બાદથી પહેલીવાર આ પ્રકારની વ્યવસ્થા જોવા મળશે.

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ એક બેન્ચ પર નહીં બેસે. બંનેને બેસવા માટે જુદી-જુદી બેન્ચ આપવામાં આવશે. ૧૮૨ ધારાસભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં ૧૮૫ વ્યકિતઓ બેસી શકે તેવી ક્ષમતા છે. પરંતુ જો તમામ ધારાસભ્યોને ગૃહમાં એકસાથે બેસાડવામાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન ગણાશે. ઉપરાંત જયારે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓનો સ્ટાફ તેમજ ગૃહનો સ્ટાફ પણ ત્યાં બેસે છે. મતલબ કે, જયારે સત્ર ચાલતું હોય ત્યારે વિધાનસભા ગૃહમાં આશરે ૨૫૦ લોકો હાજર હોય છે પરંતુ કોરોના કાળમાં આ યોગ્ય નથી. પરિણામે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર માટે નવી બેઠક વ્યવસ્થા ઘડવામાં આવી છે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમણે જૂનિયર ધારાસભ્યોને પબ્લિક વ્યૂઈંગ ગેલેરીમાં બેસાડવાનો પ્રસ્તાવ મૂકયો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, 'જૂનિયર ધારાસભ્યોને જયારે પણ બોલવું હશે ત્યારે તેમને માઈક આપવામાં આવશે. ગૃહમાં બે બેન્ચ વચ્ચે નક્કી અંતર જાળવવા માટે અમુક બેન્ચો હટાવી લેવાશે. ચોમાસુ સત્રમાં અડધા કે તેનાથી પણ ઓછી સંખ્યામાં ધારાસભ્યોને ગૃહમાં બેસાડવામાં આવશે. સપોર્ટ સ્ટાફની હાજરી પર પણ કાપ મૂકવામાં આવશે. માત્ર જરૂર પૂરતા પટાવાળા અને અંગત સ્ટાફને ગૃહમાં હાજર રહેવા દેવાશે.'

નવી વ્યવસ્થા મુજબ, ચોમાસુ સત્રના સમયગાળા દરમિયાન કોઈપણ મુલાકાતીઓને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, 'ધારાસભ્યો સહિતના તમામ સત્તાધારીઓને ગૃહમાં પ્રવેશ આપતાં પહેલા કોવિડ-૧૯ને લગતું સ્ક્રીનિંગ કરવામાં આવશે. તમામ મુલાકાતીઓએ માસ્ક પહેરવા ફરજિયાત છે, જે નહીં પહેરે તેને દંડ ફટકારવામાં આવશે. અમે સેનિટાઈઝર, મેડિકલ સ્ક્રીનિંગ સહિતની જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા ગોઠવીશું.'

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ભાજપના પાંચ અને કોંગ્રેસના ચાર ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂન મહિનામાં વિધનાસભા પરિસરમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા અને રાજયસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાની ચપેટમાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(10:35 am IST)