ગુજરાત
News of Wednesday, 5th August 2020

કોરોનાની અસર : દશેરા બાદ ઇંટના ફકત ૩૦ ટકા ભઠ્ઠા ચાલુ થશે

ગુજરાતમાં ઇંટોની આશરે ૧૨૦૦ જેટલી ભઠ્ઠીઓ છેઃ કોવિડ-૧૯ને કારણે હજુ રેલવેની સુવિધા શરૂ થઇ ન હોવાથી મજૂરો કયારે આવશે : તે એક સવાલ : બીજી બાજુ દરેક ઉત્પાદકો પાસે અગાઉનો સ્ટોક પણ ઘણો પડયો છે

અમદાવાદ તા. ૫ : કોરોના મહામારીથી અનેક ઉદ્યોગો હાડમારીનો સામનો કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ, ડેવલપર્સ અને સરકારી આંતરમાળખાકીય કામો પણ લોકડાઉનને કારણે સદંતર ઠપ થઇ ગયા હતા. જેની ઇંટ ઉત્પાદકો પર માઠી અસર પડી છે. આમ તો આ ઉદ્યોગની સિઝન દશેરાથી શરૂ થઇને મે સુધીની કહેવાય છે અને સામાન્ય રીતે દર ચોમાસામાં કામકાજ બંધ જ હોય છે. પરંતુ માર્ચથી લોકડાઉન લાદી દેવામાં આવતા ઇંટોનો ઉપાડ અટકી ગયો હતો.હવે દશેરા બાદ ફરી ઉત્પાદન શરું થાય ત્યારે ફકત ૩૦ ટકા ઇંટની ભઠ્ઠીઓ ચાલુ થવાની શકયતા છે.

ગુજરાત બ્રીકસ મેન્યુફેકચરર્સ એસોસિયેશનના ગુજરાતના મહામંત્રી, અમદાવાદના મંત્રી અને ઓલઇન્ડિયામાં સહમંત્રી મહેન્દ્રભાઇએ જણાવ્યું હતુ કે અમારા ઉદ્યોગમાં ઇંટો પકવવાનું કામ ૩૧ મે સુધીમાં પૂરું થઇ જાય છે. આ ઉદ્યોગ શ્રમિક આધારિત ઉદ્યોગ છે. જેમા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે સ્થળોએથી મજૂરો આવે છે. કોવિડ-૧૯ને કારણે હજુ રેલવેની સુવિધા શરૂ થઇ ન હોવાથી મજૂરો કયારે આવશે તે એક સવાલ છે. બીજી બાજુ દરેક ઉત્પાદકો પાસે અગાઉનો સ્ટોક પણ ઘણો પડ્યો છે. જે લોકડાઉનને કારણે મોકલી શકાયો ન હતો. દશેરા પછી પણ મજૂરો આવશે તો કામકાજ પાછા ચાલુ થશે. જોકે માર્ચમાં લોકડાઉન આવ્યું ત્યારે અમારી ૭૦ ટકા સિઝન પૂરી થઇ ગઇ હતી અને અમે તમામ ભઠ્ઠીઓ બંધ કરવાની તૈયારીમાં હતા.

આ ઉદ્યોગ સાથે ગુજરાતમાં આશરે દસેક લાખ મજૂરો સંકળાયેલા છે. ગુજરાતમાં ઇંટોની આશરે ૧૨૦૦ જેટલી ભઠ્ઠીઓ છે, એક ભઠ્ઠીમાં દોઢસોથી વધારે મજૂરો હોય છે. આ ભઠ્ઠીઓ ઉત્તરગુજરાત, મધ્યગુજરાત, ગોધરા, સૌરાષ્ટ્રમા આવેલી છે. જોકે ચીમની વિનાના નાના એકમો આશરે ૨૫૦૦૦ જેટલા મોટી સંખ્યામાં છે, હાલમાં આંતરમાળખાકીય કામ ઠપ હોવાથી આગામી વર્ષે બહુ વેપાર થવાની શકયતા નથી. ઉપરાંત દરેક ઉત્પાદકો પાસે મોટી સંખ્યામાં ઇંટો પડેલી છે.

બીજી બાજુ દરેક ઉત્પાદકો પોતાની પડતર કાઢીને ઇંટો વેચતા હોય છે. સામાન્ય રીતે દર હજારે રૂ. ૩૫૦૦થી ૪૦૦૦ વત્તા કાર્ટીંગનો ભાવ ચાલે છે. તેનો આધારે માટી કયા ભાવે ખરીદી છે તેના પર છે. હાલમાં પડતર ભાવે જ વેપાર થાય છે. હાલમાં નફો તો ઠીક પરંતુ મૂડી પાછી આવે તો પણ સારુ છે એવી સ્થિતિ છે. વધુમાં આખી પુરવઠા શ્રૃંખલા ખોરવાઇ ગઇ હોવાથી કોન્ટ્રાકટરોને આગળથી પેમેન્ટ આવતુ નથી તેના કારણે ઇંટની ભઠ્ઠીવાળાઓનો કરોડો રૂપિયાના પેમેન્ટ સલવાઇ ગયા છે. એક એકમદીઠ રૂ. ૩૦થી ૪૦ લાખની ઉઘરાણી બાકી છે. સામાન્ય રીતે વેચાણની સામે દોઢી ઉઘરાણી રહેશેં.

તેમણે જણાવ્યું હતુ કે દશેરા બાદ મર્યાદિત સંખ્યામાં ભઠ્ઠીઓ ચાલુ થવાની શકયતા છે. તેમાં મોટી સમસ્યા એ છે કે ભઠ્ઠીઓ ચાલુ થાય અને કોઇ મજૂરને કોરોના થાય તો સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સવલત આપવામાં ઘણો ખર્ચ થાય તે પોસાય તેમ નથ. તેનો ચેપ બીજાને લાગે તો આખી ભઠ્ઠીને કવોરન્ટાઇન કરવી પડે તેની દહેશત છે. અન્ય ઉદ્યોગની સામે અમારો ઉદ્યોગ અલગ એટલા માટે છે કે બીજા ઉદ્યોગમાં મજૂરો ઘરે રહેતા હોય છે જયારે અમારા ઉદ્યોગમાં ભઠ્ઠીની જગ્યાએ જ રાખવા પડે છે. તેથી કોરોનાના કિસ્સામાં અમારે જ બધી વ્યવસ્થા કરવી પડે અને અમે ફસાઇ જઇ તેવી સ્થિતિ ઊભી થાય. આમ લોકો વેપાર કરવામાં પણ રાજી નથી.

(10:34 am IST)