ગુજરાત
News of Wednesday, 5th August 2020

સરખેજમાં 10 લાખની ખંડણીની વસુલવા ગુંડાઓએ ઓફીસમાં ઘૂસી બિલ્ડર પિતા-પુત્રના હાથ પગ ભાંગ્યા

સરખેજ ફતેહવાડીમાં ભરબપોરે ઘટના : લોખંડની પાઈપો અને લાકડીઓ ફટકારી :બિલ્ડરને 4 ફ્રેકચર

અમદાવાદઃ સરખેજના ફતેવાડીમાં 10 લાખની ખંડણીની વસુલવા ગુંડાઓએ ઓફીસમાં ઘૂસી બિલ્ડર પિતા-પુત્રને લોખંડની પાઈપો અને લાકડીઓથી મારમારી હાથ અને પગ તોડી નાંખ્યા છે પુત્રની નજર સામે આરોપીઓએ બિલ્ડરને મારમારી 4 ફ્રેકચર કરી દીધા હતા. રૂપિયા આપ અથવા સાઇટ લખી આપ નહી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

દાણીલીમડા વિસ્તારમાં લાઈફલાઈન સ્કૂલની સામે નુરે અહેમદી સોસાયટીમાં રહેતાં અને સરખેજ ફતેવાડીમાં સૂફિયાન નગર અને શાહીન પાર્કના નામે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મોહંમદ યાસીન રહીમ શેખ (ઉં,47) સોમવારે બપોરે ઓફિસમાં પુત્ર સૂફીયાન સાથે બેઠા હતા.તે સમયે જુહાપુરાનો મહેમૂદખાન પઠાણ, અમજદખાન પઠાણ, સદામ મોમીન અને એક અજાણ્યો ઈસમ ઓફિસમાં આવ્યા હતા. મેહમૂદખાન કોઈ પણ કારણ વગર છેલ્લા દોઢ માસથી મોહંમદ યાસીન પાસે રૂ.10 લાખની ખંડણી માંગી રહ્યો હતો.

સોમવારે બપોરે આવેલા મહેમુદખાનએ યાસીનને અપશબ્દો બોલી જણાવ્યું કે,“તને કહ્યું કે તું રૂપિયા આપ નહીં તો આ સાઇટ અમારા નામે કરી દે પણ તું કોઈ વાત માનતો નથી.” તેમ કહી ચારે આરોપીઓએ મોહંમદ યાસીનને લોખંડની પાઇપો અને ડંડાથી મારમારવા લાગ્યા હતા.

 

સૂફિયાન પિતાને બચાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેણે પણ નીચે પાડી લાતો અને મુક્કા માર્યા હતા. યાસીનભાઈ બુમો પાડતા ઓફીસ ની બહાર નીકળ્યા તો જાહેરમાં લોકોની વચ્ચે બેખોફ થઈ આરોપીઓએ યાસીનભાઈને ડંડા અને પાઇપોથી મારમારી ધમકી એસપી હતી. આ વિસ્તાર ફરી આવ્યો તો જાનથી મારી નાખીશું.

ઈજાગ્રસ્ત યાસીનભાઈને પુત્ર સૂફીયાન સારવાર માટે કારમાં બેસાડી એલજી હોસ્પિટલ લઈ ગયો હતો. ડૉક્ટરોએ એક્સ રે પાડતા યાસીનભાઈના બંને હાથના નળા અને ડાબા પગને નળા અને ઢીંચણમાં થઈને કુલ ચાર ફ્રેકચર હોવાનું જાણવા મળ્યું હતું. સરખેજ પોલીસે યાસીનભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:02 pm IST)