ગુજરાત
News of Monday, 5th August 2019

સીએસના પરીક્ષા કાર્યક્રમમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય

વિદ્યાર્થીઓની સરળતાને ધ્યાનમાં રાખીને નિર્ણય : દરેક પરીક્ષા વચ્ચે એક દિવસનો ગેપ : આઇસીએસઆઇ દ્વારા ચાર મહત્વપૂર્ણ ઓડિટ માપદંડોને પણ જારી કરાયાC

અમદાવાદ, તા.૪ : ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા(આઇસીએસઆઇ) દ્વારા ઓડિટ કરતી વખતે ઓડિટની પધ્ધતિને એકરૂપતા અને સાતત્યતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તાજેતરમાં ચાર મહત્વના ઓડિટ માપદંડો જેમ કે, ઓડિટ એન્ગેજમેન્ટ(સીએસએએસ-૧), ઓડિટ પ્રોસેસ એન્ડ ડોકયુમેન્ટેશન (સીએસએએસ-૨), ફોર્મીંગ ઓફ ઓપીનીયન (સીએસએએસ-૩) અને સેક્રેટરીયલ ઓડિટ (સીએસએએસ-૪) જાહેર કર્યા છે.

         જેનો તા.૧-૪-૨૦૧૯થી ફરજિયાતપણે અમલ કરવામાં આવશે. દેશના કોર્પોરેટ ગવર્નન્સ અને કોમ્પ્લાયન્સમાં આ ચારેય ઓડિટ માપદંડો બહુ મહત્વના અને અસરકારક પુરવાર થશે. એટલું જ નહી, કંપની સેક્રેટરીઝ(સીએસ)ના વિદ્યાર્થીઓની સરળતાને ધ્યનમાં રાખી આઇસીએસઆઇ દ્વારા એક મહ્ત્વના નિર્ણય મારફતે ડિસેમ્બર-૨૦૧૯થી સીએસના પરીક્ષા કાર્યક્રમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, દરેક પરીક્ષાના મોડયુલ વચ્ચે એક દિવસનો ગેપ રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં અને તૈયારી કરવામાં સાનુકૂળતા રહેશે એમ અત્રે આઇસીએસઆઇના પ્રમુખ રણજીત પાંડે અને ઉપપ્રમુખ આશિષ ગર્ગે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સારા કોર્પોરેટ ગવર્નન્સ અને મજબૂત કોમ્પ્લાયન્સના ભાગરૂપે કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવતાં સેક્રેટરીયલ માપદંડોને એકીકૃત કરવા, તેમાં સંવાદિતતા લાવવા અને સ્ટાન્ડર્ડાઇઝ કરવાના ઉમદા આશયથી ઉપરોકત ચાર સેક્રેટરીયલ માપંદડો જાહેર કરાયા છે.

       સેક્રેટરીયલ ઓડિટ મારફતે દેશનું કોર્પોરેટ ગવર્નન્સ વધુ મજબૂત અને પારદર્શક બનશે. આ સિવાય નકલી એટેસ્ટેશન્સ અને સર્ટિફિકેશન્સની બદીને નાથવાના આશયથી દરેક પ્રેકટીસીંગ સીએસ સભ્ય માટે આઇસીએસઆઇ દ્વારા યુડીઆઇએન અથવા યુનિક આઇન્ડેન્ટિફિકેશન નંબર સીસ્ટમ દ્વારા બનતાં આલ્ફા ન્યુમેરિક નંબરની જોગવાઇ લાગુ કરાઇ છે, જેથી બોગસ દસ્તાવેજો કે, સર્ટિફિકેટસની બદી પર લગામ કસી શકાશે. આઇસીએસઆઇના પ્રમુખ રણજીત પાંડે અને ઉપપ્રમુખ આશિષ ગર્ગે વધુમાં ઉમેર્યું હતું કે, આઇસીએસઆઇ દ્વારા સીએસ સભ્યોને જીએસટી ઓડિટમાં અધિકૃત માન્યતા આપવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય દેશમાં સીએસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને કોઇ અગવડ ના પડે તે હેતુથી વધુ સાત સેન્ટરો ખોલવામાં આવ્યા છે.

          જેમાં ગુજરાતમાં ગાંધીધામ અને વાપીમાં નવા સેન્ટરો ખોલવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ ૨૦ જેટલો સેન્ટરો થઇ ગયા છે. તો, રોજગારી ક્ષેત્રે કંપની સેક્રેટરીની નિમણૂંક અને હકાલપટ્ટી પર નિયંત્રણ રાખવાના આશયથી આઇસીએસઆઇ દ્વારા કંપની સેક્રેટરીનો એમ્પ્લોયમેન્ટ સ્પેસીફિક યુનિક આઇન્ડેન્ટિફિકેશન નંબર પણ લોન્ચ કર્યો છે, જેનાથી આ સમગ્ર પ્રક્રિયા પર નીરીક્ષણ રાખી શકાશે.

(8:47 am IST)