ગુજરાત
News of Sunday, 5th August 2018

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે બનશે પાટીદાર હબ: માં ઉમિયાનું 80 મીટર ઊંચું ભવ્ય મંદિરનું થશે નિર્માણ

સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજોપયોગી આત્યાધુનિક ભવનનું નિર્માણ કરાશે

અમદાવાદ: વિશ્વભરના કડવા પાટીદારોને એક મંચ પર લાવનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સુશિક્ષિત, સામર્થ્યવાન અને સંગઠિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક 100 વીઘા જમીનમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષમાં પાટીદાર એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરવામાં આવશે. જેમાં મા ઉમિયાનું 80 મીટર ઊંચુ ભવ્ય મંદિર તૈયાર કરવાની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજોપયોગી આત્યાધુનિક ભવનનું નિર્માણ કરાશે.

  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી. કે. પટેલે ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી પાસે જાસપુર લીલપુર માર્ગ પર સંસ્થા દ્વારા 100 વીઘા જમીનમાં તૈયાર થનારો આ મંદિર વૈશ્વિક સ્તરના ટૂરિઝમ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે. મંદિરમાં પાટીદાર સમાજનો ઇતિહાસ પણ રજૂ કરવામાં આવશે. કેમ્પસમાં યુનિવર્સિટી, આરોગ્યધામ, હોસ્ટેલ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

   મંદિરની ઊંચાઈ 80 મીટર, લંબાઈ 60 મીટર અને પહોળાઈ 40 મીટર હશે. શિખર પર 70 મીટર ઊંચાઈએ વ્યૂ ગેલેરીમાંથી શહેર જોઈ શકાશે. મંદિરમાં ડાબી બાજુએ શિવજી અને જમણી બાજુએ ગણેશજીનું મંદિર બનાવવામાં આવશે. માતાજીનું સ્થાન જમીનથી 35 ફૂટ ઊંચાઈ પર હશે. મંદિરમાં જવા માટે સીડી, એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા રાખવામાં આવશે. 

મંદિરમાં વોકર (ટ્રાવેલેટર) મુકવામાં આવશે અને તેની સ્પીડ વધારી ઘટાડી શકાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર સત્સંગ હોલ, કથા હોલ, પ્રથમ માળે પાટીદાર મ્યુઝિયમ અને બીજા માળે મંદિર રાખવામાં આવશે. બેઝમેન્ટમાં 3000 કાર, 5000થી વધુ ટૂ વ્હીલર પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવશે. 

    મંદિર સહિત અન્ય બિલ્ડિંગો તૈયાર થતાં 5 વર્ષ જેટલો સમય લાગશે. આ કામગીરી પર દેખરેખ રાખવા અને કામગીરીને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 5 મીએ રવિવારે ઉમિયા કેમ્પસ, સોલારોડ, એસજી હાઈવે ખાતે બપોરે 3 વાગે સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ મધ્યસ્થ કાર્યાલયનું તેમજ પંચામૃત યોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે.

(10:31 pm IST)