ગુજરાત
News of Tuesday, 5th July 2022

ચૂંટણી નોરતા અને દિવાળીની વચ્‍ચે યોજાવાની સંભાવના

વર્ષ ર૦૧૭માં ૯ અને ૧૪ ડીસેમ્‍બરે મતદાન થયેલઃ પરિણામ ૧૮ ડીસેમ્‍બરે આવેલ : ડીસેમ્‍બરમાં અમદાવાદમાં બી.એ.પી.એસ. દ્વારા ભવ્‍ય ધર્મોત્‍સવ : દિવાળીની રજાઓ પછી કોરોના વધુ ઉછળવાની શકયતાના કારણે ચુંટણી થોડી વહેલી આવી શકેઃ વર્તમાન ચોમાસુ કેવુ જાય છે ? તે પણ ધ્‍યાને લેવાશે

રાજકોટ તા. પ : ગુજરાતમાં નિધારિત સમય મુજબ ધારાસભાની ચૂંટણી ડીસેમ્‍બરમાં આવવા પાત્ર છે સામાન્‍ય રીતે ચૂંટણી સમયસર જ થતી હોય છે પણ ખાસ સંજોગોમાં ચૂંટણી પંચને ચુંટણી ૩ માસ વહેલી કે ૩ માસ મોડી કરાવવાની સતા છે આ વખતે ચૂંટણી થોડી વહેલી થાય તેવી અટકળો શરૂ થઇ છે જો કે સતાવાર વર્તુળો આ બાબતને સમર્થન આપતા નથી.

આધારભૂત સૂત્રો જણાવે છે કે ર૬ સપ્‍ટેમ્‍બરે નવરાત્રી પ્રારંભ થાય છે. પ ઓકટોબરે દશેરા છે. ર૪ ઓકટોબરે દિવાળી છે. ૧પ ડીસેમ્‍બરથી ૧૩ જાન્‍યુઆરી અમદાવાદમાં પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ (ધર્મોત્‍સવ) યોજાનાર છે.  ચૂંટણીમાં અસર કરી શકે તેવા  સેંકડો લોકો ત્‍યાં વ્‍યસ્‍ત હોય તેવા સંજોગો છે. ઉપરાંત ગઇ દિવાળીનો અનુભવ એવો છે કે દિવાળીમાં બજારોમાં ભીડ બહુ થાય છે. તેમજ લોકો મોટી સંખ્‍યામાં પ્રવાસમાં જતા હોય છે. દિવાળી પછી કોરોનાના કેસમાં જંગી ઉછાળો આવવાની ભીતિ છે. આવા દેખીતા કારણો ઉપરાંત અન્‍ય કેટલાક કારણોસર ચૂંટણી ઓકટોબરમાં નોરતા અને દિવાળીની વચ્‍ચે થઇ શકે તેવુ સમીક્ષકો માની રહ્યા છે. વર્તમાન ચોમાસુ કેવુ જાય છે તે પણ મહત્‍વનું બનશે. જો ચૂંટણી વહેલી કરવાની હોય તો ૧પ ઓગસ્‍ટ પછી ગમે ત્‍યારે આચારસંહિતા જાહેર થઇ શકે.

ચૂંટણી અંગેનો નિર્ણય ચૂંટણી પંચના કાર્યક્ષેત્રની બાબત છે. ચૂંટણીનું સમયપત્રક નકકી કરવામાં મોટા તહેવારો, અસરકર્તા ઘટનાઓ, કુદરતી પરિસ્‍થિતિ વગેરે બાબતો ધ્‍યાને લેવાતી હોય છે. હાલ માત્ર સંભવિત સંજોગો આધારીત અનુમાનો થઇ રહ્યા છે. ચૂંટણી સમયસર જ કરવાની હશે તો ડીસેમ્‍બરમાં મતદાન થશે. 

(3:20 pm IST)