ગુજરાત
News of Friday, 5th July 2019

સંવિધાન લડાઇમાં સત્યનો એક દિવસ વિજય થશે જ

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ રાજયસભા ચૂંટણીને લઇ પ્રતિક્રિયા

અમદાવાદ, તા.૫ : રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસવોટીંગ કર્યા બાદ રાજીનામાં આપતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. બંને ધારાસભ્યોના રાજીનામાં બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમ્યાન ધાનાણીએ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ધાનાણીએ કહ્યું કે, અમે સંવિધાન બચાવવાની લડાઈ લડી રહ્યા છીએ, અને અમને વિશ્વાસ છે કે, એક દિવસ સત્યનો વિજય થશે.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયસભાની ચૂંટણીમાં પ્રો-રેટા પ્રમાણે અમે એક બેઠક જીતી જાત. અમારા ધારાસભ્યોને ડરાવવા, લલચાવવા અને ધમકાવવાનો પ્રયાસ થયો હતો. ૬૯ ધારાસભ્યોએ કોંગ્રેસને વોટ કર્યો હોવાનો પરેશ ધાનાણીએ દાવો કર્યો હતો. આ સાથે ધાનાણીએ કહ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટાયેલાં બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તો ભાજપ પર પ્રહાર કરતાં ધાનાણીએ જણાવ્યું કે, અમે સંવિધાનને બચાવવા માટે લડાઈ લડ્યા. ભાજપના ભયભીત કરાવવાના પ્રયાસને અમે હરાવ્યો છે. અમે બંધારણની લડાઈ લડી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે, એક દિવસ સત્યનો વિજય થશે.

(9:45 pm IST)