ગુજરાત
News of Friday, 5th July 2019

સુરતના ઉંમરપાડા ખાતે છ ઇંચથી વધારે વરસાદ પડ્યો

સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો ભારે વરસાદની ચેતવણી અકબંધ રહેતા તંત્ર સંપૂર્ણ સજ્જ

અમદાવાદ,તા.૫ : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં ૬ કલાકના ગાળામાં જ સાડા છ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. સુરત શહેરમાં પણ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. તાપી જિલ્લાના વ્યારામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. બીજી બાજુ પંચમહાલમાં પણ અઢી ઇંચથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ સુરત, તાપી, ડાંગ, ભરુચ, નર્મદા, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૪૮ મી.મી. એટલે કે છ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારામાં સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન ૮૧ મી.મી. એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે સુરત શહેરમાં તથા કામરેજમાં સવારે છ થી આઠના બે કલાક સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ૧૦ તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલી, ઉચ્છલ, મહુવા (સુરત), બાલાસિનોર, ખેરગામ, સોનગઢ, વાલોડ, કુકરમુંડા, ચીખલી અને વાંસદાનો સમાવેશ થાય છે. સવારે ૧૦ વાગ્યા સુધીના છેલ્લાં ચાર કલાકમાં ૧૪ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.  ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ૧૧૧ મી.મી. એટલે કે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે મેઘરજ, માલપુર અને બોડેલી તાલુકામાં ૯૧ મી.મી. થી વધુ, હાલોલમાં ૮૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજયના કુલ ૧૨૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ચીખલી, જાંબુઘોડા, સોનગઢ, દાહોદ, ઉચ્છલ અને ઉમરેઠ મળી કુલ ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ૩ ઈંચથી ઓછો, જ્યારે ઘોઘંબા, વાંકાનેર, વાંસદા, ધરમપુર, ગોધરા, કુકરમુંડા, ગણદેવી, વીરપુર, દેવગઢબારિયા, લુણાવાડા, નસવાડી, લીમખેડા, ડોલવણ, વઘઈ, શહેરા, ગરૂડેશ્વર, સિંગવાડ, વાલોડ, કપરાડા, સિનોર, વાઘોડિયા અને નાંદોદ મળી કુલ ૨૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે અન્ય ૩૩ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ અને એક ઈંચથી ઓછો વરસાદ તેમજ અન્ય ૫૪ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૭૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૬.૭૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૫.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૪૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે વિરામ રહેતા લોકો ઉત્સુકતાથી રાહ જોતા રહ્યા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૫ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ વિવિધ વિસ્તારમાં જારી રહ્યો છે. ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ.......................................... વરસાદ (મીમીમાં)

ઉંમરપાડા.......................................... ૧૫૦થી ઉપર

વ્યારા.............................................................. ૮૧

સુરત શહેર....................................................... ૫૦

કામરેજ............................................................ ૫૦

બારડોલી............................................... ૨૫થી વધુ

સોનગઢ................................................ ૨૫થી વધુ

ક્વાંટ............................................................. ૧૧૧

મેઘરજ............................................................ ૯૧

માલપુર........................................................... ૯૧

(8:03 pm IST)