ગુજરાત
News of Thursday, 5th July 2018

સિનિયર સિટીઝનને પાકતી મૂડીમાંથી કાપેલા પૈસા પરત

ગ્રાહક ફોરમે વરિષ્ઠ નાગરિકને પૈસા પાછા અપાવ્યાઃ વરિષ્ઠ નાગરિકને ૧૧૨૫૦૦ નવ ટકાના વ્યાજની સાથે ફરિયાદ તારીખથી ચૂકવવા પોસ્ટવિભાગને ફરમાન કરાયું

અમદાવાદ,તા. ૫: બેંકમાંથી નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકે પોતાના નિવૃત્તિ લાભો સાથેની રૂ.૨.૫૦ લાખની રકમ સિનિયર સીટીઝનની સ્કીમમાં રોકી હતી પરંતુ પાંચ વર્ષ બાદ આ સિનિયર સીટીઝન પોતાની મૂડી ઉપાડવા પોસ્ટવિભાગમાં ગયા ત્યારે તેમને આશ્ચર્યજનક જવાબ અપાયો કે, તમારું ખાતુ નિયમોનુસાર ખોલાયું ન હતું., તેથી તમને ખોટુ વ્યાજ ચૂકવાઇ ગયું છે..આમ કહી પોસ્ટવિભાગે પાંચ વર્ષ ચૂકવાયેલા વ્યાજની રકમ રૂ.૧,૧૨,૫૦૦ કાપી લઇ માત્ર રૂ.૧,૩૭,૫૦૦ જ પરત કરાયા હતા. જેથી વરિષ્ઠ નાગરિકે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ન્યાય માટે ફરિયાદ કરી હતી. જેમાં ફોરમે ફરીયાદી ગ્રાહકને તેમના એકાઉન્ટમાં જમા કરાવેલ ડીપોઝીટની રકમ રૂા. ૧,૧૨,૫૦૦ (અંકે રૂપીયા એક લાખ, બાર હજાર પાંચસો પુરા) ફરીયાદ દાખલ કર્યા તા.૦૩-૦૭-૨૦૧૪ થી વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે  ચૂકવી આપવા ઘાટલોડિયા પોસ્ટ ઓફિસ અને સિનિયર સુપ્રિટેન્ડન્ટ, ઇન્કમટેક્ષને ફરમાન કર્યું હતું. ફોરમે ફરિયાદી ગ્રાહકને માનસિક ત્રાસ, આઘાતના રૂા. ૫,૦૦૦ અલગથી ચુકવી આપવા પણ પોસ્ટવિભાગને ફરમાન કર્યું હતું. અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ શ્રી એલ.એસ.રબારી, સભ્ય શ્રી એચ.જે.ધોળકીયા અને શ્રી વી.એ.જેરોમે પોતાના જજમેન્ટમાં પોસ્ટ ઓફિસના વકીલનો જવાબ અને  બચાવ ફગાવી દઈ નિરીક્ષણ કર્યું હતું કે, પોસ્ટવિભાગે તમામ બાબતોની ચકાસણી કર્યા પછી ખાતુ ખોલવાનુ હોય. પરંતુ તેમ કરવામાં પોસ્ટ ઓફિસે ચુક કરેલ છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને નિયમની ખબર ના હોય, તેથી પોસ્ટઓફિસના સ્ટાફે ધ્યાન રાખવાનું હતું કે, નિવૃત્તિના બેનીફીટનું ચકવણું થયાના એક મહિનામાં ખાતુ ખોલવામાં આવે છે તો જ ખાતુ ખોલવાનું હતું. નિવૃત્ત થયેલ નાગરિકો આજીવિકા માટે વધુ વ્યાજ મેળવવા સારી સ્કીમનો લાભ લેવા ખાતુ ખાલોવતા હોય છે પરંત પ્રસ્તુ કેસમાં વધુ વ્યાજ મેળવવાની વાત તો બાજુ પર રહી પરંતુ ફરિયાદને પાંચ વર્ષ સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું છે તે પણ જો કાપી લેવામાં આવે તે અન્યાયકર્તા છે. તેથી ખોટી રીતે કાપી લીધેલ રકમ સેવામાં ખામી અને અનૈતિક વેપાર પધ્ધતિ આચરી છે તે સ્પષ્ટ થાય છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા રમેશભાઈ સી. જોશી અમદાવાદ ડીસ્ટ્રી. કો.ઓપ. બેંકમાંથી નિવૃત્તિ બાદ નિવૃત્તિ લાભો સહિતની રકમ સુરક્ષિત અને સલામત રહે તે માટે ૫ વર્ષની બાંધી મુદત બાદ જમા રકમ વ્યાજ સાથે પરત મળે તે હેતુથી પોસ્ટની સિનિયર સીટીઝન સ્કીમમાં રૂા. ૨,૫૦,૦૦૦ ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં ડીપોઝીટ કરાવ્યા હતા. સ્કીમ અનુસાર દર ૩ મહીને વાર્ષિક ૯ ટકા વ્યાજ રૂા. ૫,૬૨૫ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવતુ હતુ. દર વર્ષે રૂા. ૨૨,૫૦૦ ના હિસાબે ૫ વર્ષ સુધી ટોટલ રૂા. ૧,૧૨,૫૦૦ વ્યાજ આપવામાં આવ્યું હતું. પાંચ વર્ષ બાદ જયારે ફરિયાદી ગ્રાહ્ક પોતાની ડીપોઝીટની રકમ રૂા. ૨,૫૦,૦૦૦ પરત લેવા ગયા ત્યારે પોસ્ટવિભાગે આઘાતજનક જવાબ આપ્યો કે, તમારું ખાતુ નિયમોનુસાર ખોલાયું નથી અને તેથી અનિયમિત ખાતું છે. આમ કહી પોસ્ટવિભાગે અત્યારસુધી ચૂકવાયેલી વ્યાજની ૧,૧૨,૫૦૦ની રકમ કાપી લઇ બાકીના માત્ર  રૂ.૧,૩૭,૫૦૦ જ  પરત આપ્યા હતા. જેથી  ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે  ધી સિનિયર સુપ્રી. ઓફ પોસ્ટ ઓફિસ, ઘાટલોડિયા પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ ઓફિસના એજન્ટ શ્રીમતી મીનાબેન શૈલેષભાઈ શાહ વિરૂદ્ધ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયેસેવામાં ખામી, બેજવાબદારી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરી હોવાથી ફરીયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફથી સમિતિના પ્રમુખ મુકેશ પરીખની મહત્વની દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક ફોરમે ઉપરોકત મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.      

(10:28 pm IST)