ગુજરાત
News of Tuesday, 5th June 2018

સુરતમાં બેન્ક બહાર લૂંટ કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા

બિહારથી ટ્રેનમાં બાઈક લઈને ગુન્હા કરવા આવતા હતા ;કાપોદ્રા-ઉંમરના ગુન્હાનો ભેદ ઉકેલાયો

 

સુરતમાં બેન્ક બહાર લોકોને લુંટતી ગેંગના બે સાગરીતોને કાપોદ્રા પોલીસે પકડી પાડયા છે. બંને આરોપી રીઢા ગુનેગાર છે અને તેઓએ બિહાર-આસામમાં ૧૫થી ૨૦ ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસની પૂછપરછમાં સુરતમાં લૂંટ કરવા તેઓ બિહારથી ટ્રેનમાં બાઇક લઇને આવતા હતા.કાપોદ્રાના એક અને ઉમરા પોલીસના બે ગુનાના ભેદ ઉકેલાઇ ગયા છે.

  મળતી વિગતો પ્રમાણે કાપોદ્રા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પીઆઇ દવેના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી કાપોદ્રા એક્સિસ બેંક પાસેથી રાહુલ ઉર્ફે રોનકસિંગ રાજેશ યાદવ (રહે. કટીહાર, બિહાર) અને અમીરચંદસિંગ ઉર્ફે કલવા ઉર્ફે અરવિંદસિંગ દીપચંદસિંગ (રહે. પિૃમ બંગાળ) ને પકડી પાડયા હતા. બાઇક પર પસાર થતા બંને યુવકોને પકડી પાડી કરેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

  બંને આરોપીઓ સાથીદારો ગોપાલ અને લોહા સાથે બિહાર ખાતેથી ટ્રેનમાં બાઇક લઇ સુરતમાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવા આવતા હતા. ટોળકી બેંકની બહાર પહેરો ભરતી હતી અને ટોળકીનો એક સાગરિત બેંકમાં જઇ રેકી કરતો હતો. બેંકમાંથી જે યુવક મોટી રકમ લઇ બહાર નીકળે તેનો બાઇક પર પીછો કરી લૂંટી લેતા હતા. પૂછપરછમાં સવા બે મહિના પહેલાં કાપોદ્રામાં ઝડફિયા સર્કલ પાસે ભરબપોરે યુવકના હાથમાંથી રોકડા રૃપિયા લાખ ભરેલી બેગની લૂંટ કરવાનો ગુનો ઉકેલાઇ ગયો હતો, સાથોસાથ ઉમરા પોલીસના બે ગુનાના ભેદ પણ ઉકેલાય ગયા છે.

  ટોળકીએ બિહાર અને આસામમાં ૧૫-૨૦ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે. કાપોદ્રામાં એક્સિસ બેંક પાસે પણ લૂંટ કરવાની ફિરાકમાં હતા કે પોલીસે તેઓને દબોચી લીધા હતા. કાપોદ્રા પોલીસે ગોપાલ અને લોહાની શોધખોળ આદરી છે.

(10:07 pm IST)